ભૂલી જવાની આદતનો કરુણ કિસ્સો, જીવનભર પોતાને માફ નહીં કરી શકે આ પિતા

ન્યૂયોર્ક- મોટાભાગના લોકો તેની ભૂલવાની આદતથી પરેશાન હોય છે, પરંતુ અહીં એક વ્યક્તિ તેની એક બેદરકારીને લીધે કદાચ જિંદગીભર પોતાને માફ નહીં કરી શકે. ન્યૂયોર્કમાં જુઆન રોડ્રિગુએજ નામના એક વ્યક્તિએ ભૂલી જવાને લીધે એટલીબધી કરુણ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે જાણીને રુવાડાં ઊભાં થઈ જાય. જુઆન પોતાના જોડકાં બાળકોને તડકામાં તપતી કારમાં છોડીને ભૂલી ગયો અને પોતાના કામે ચડી ગયો. તેમના બંને બાળકોના કારમાં મોત થઈ ગયાં.

જુઆનની પત્ની મારિસા રોડ્રિગુએજ એ કહ્યું કે, હું નુકસાનને કદી નહીં ભૂલી શકું. મને ખ્યાલ છે કે, મારા પતિ પણ પોતાની જાતને આ ભૂલ બદલ કદી માફ નહીં કરી શકે. જોકે, મહિલાએ તેમના એક વર્ષના જોડીયાં બાળકોના મોત પછી પણ તેમના પતિનો સાથે આપવાની વાત કહી છે. હાલમાં આ વ્યક્તિ પર અજાણતાં હત્યા થઈ હોવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શુક્રવારે આ જોડીયાં બાળકો લૂના અને ફિનોક્સ કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. હકીકતમાં જુઆન તેમના બાળકોને ડે-કેરમાં ડ્રોપ કરતાં ભૂલી ગયો હતો અને બાળકોને કારમાં જ છોડીને શિફ્ટ કરવા માટે જતો રહ્યો હતો. 8 કલાક પછી જ્યારે તે પરત ફર્યો અને ફરી ગાડીમાં બેસી ડ્રાઈવ કરી રહ્યો હતો તેના દસ મિનિટ બાદ તેને યાદ આવ્યું કે પાછલી સીટ પર તેના બે બાળકો હતાં.જોકે ત્યાં સુધીમાં તો તેમના બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

જૂઆન સાંજે 4 વાગ્યા પરત ફર્યો અને અંદાજે 10 મિનિટ સુધી કાર ડ્રાઈવ કર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે, પાછળની સીટ પર બાળકો છે અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં છે. પાછળની સીટપર તેમના બાળકોને જોઈને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો ત્યારબાદ લોકોએ પોલીસ બોલાવી.

જુઆને પોલીને જણાવ્યું કે, મને લાગ્યું કે મેં બાળકોને ડે-કેરમાં ડ્રોપ કરી દીધાં છે. ત્યારબાદ હું કામ પર જતો રહ્યો હતો. જુઆને કોર્ટ પાસે અપીલ કરી છે કે, પોતાને હત્યાનો દોષી ન માનવામાં આવે. પત્ની મારિસાએ કહ્યું કે, આ અત્યંત ભયાનક ઘટના હતી અને મારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો સાથ આપવાની જરૂર છે. મને ખ્યાલ છે કે, મારા પતિ જાણીજોઈને તેમના બાળકોને કદી પણ નુકસાન ન પહોંચાડી શકે.

બ્રોન્ક્સ ક્રિમિનલ કોર્ટમાં 100000 ડોલરનું બોન્ડ ભર્યા બાદ જુઆન છૂટી ગયો છે. તે કોર્ટ પરિસરમાં તેમની પત્નીના ખભા પર માથું રાખીને રડતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમના બાળકો સાથેની અનેક તસવીરો છે. જુઆને તેમના બાળકોને હોન્ડા એકાર્ડમાં 8 કલાક માટે રાખ્યાં હતાં, ત્યારે ન્યૂયોર્ક સિટીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]