યુક્રેનમાં વીજપ્લાન્ટો ક્ષતિગ્રસ્તઃ શહેરીજનોનું જીવન દોહ્યલું

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની રાષ્ટ્રીય એનર્જી કંપનીએ શહેરીજનોને વિનંતી કરી હતી કે રશિયાના મિસાઇલ હુમલાને કારણે વીજકાપની સ્થિતિમાં સાંજે સાત કલાક સુધી જે કાંઈ ડિવાઇસો હોય એ ચાર્જ કરી લેજો. બુધવારે રશિયાના મિસાઇલોના હુમલાને કારણે યુક્રેનના વીજ પ્લાન્ટને પણ ક્ષતિ પહોંચી છે, એમ ગ્રિડ ઓપરેટર યુક્રેનરગોએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ગુરુવારે દેશઆખામાં ચાર કલાક સુધી વીજકાપ કરવામાં આવશે, જેથી ફોન, પાવર બેન્ક્સ, ટોર્ચ અને બેટરીઓ ચાર્જ કરી લેજો.

તેણે વધુમાં શહેરીજનોને અરજ કરી હતી કે ઘરમાં પાણી ભરી રાખજો અને પરિવાર અને મિત્રો માટે ગરમ મોજાં અને બ્લેન્કેટ પણ હાથવગાં રાખજો, જેથી વીજકાપમાં તમને કોઈ મુશ્કેલીઓ ના પડે. તેણે કહ્યું હતું કે રશિયાએ યુદ્ધ આરંભ્યું, ત્યારથી અત્યાર સુધીમાં  છેલ્લા 10 દિવસોમાં પાવરની સુવિધાઓ પર મિસાઇલના હુમલાનું પ્રમાણ વધી ગયું છે. અગાઉ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાના હવાઈ હુમલાઓમાં 30 ટકા વીજળી સ્ટેશનોને ક્ષતિ પહોંચી છે.

તેણે સોશિયલ મિડિયા પરના એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આવતી કાલથી ગ્રાહકલક્ષી પ્રતિબંધો અમલમાં મૂકીશું, જેથી સિસ્ટમ સારી રીતે ચાલી શકે. તેણે કહ્યુંહ તું કે યુક્રેનમાં આવતી કાલથી સવારે સાતથી રાત્રે 10 કલાક સુધી પ્રતિબંધો લાગુ થાય એવી શક્યતા છે, જેથી શહેરીજનોને પ્રાદેશિક નેટવર્ક ઓપરેટર્સની વેબસાઇટ સમયાંતરે ચકાસતા રહેવાની તેણે સલાહ આપી હતી.