વોશિંગ્ટનઃ જૉ બાઈડને અમેરિકાના પ્રમુખ તરીકે આજે કરેલા એમના પ્રથમ દેશવ્યાપી સંબોધન (યૂનિયન એડ્રેસ)માં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પર આરોપ મૂક્યો છે કે એમણે એમના પડોશી દેશ યૂક્રેન પર ‘સુનિયોજિત અને ઉશ્કેરણી વગરનું’ યુદ્ધ કર્યું છે. પુતિને ફેંકેલા આ પડકારનો સામનો કરવા અમેરિકા સજ્જ છે.
બાઈડને અમેરિકન સંસદ (કોંગ્રેસ)ના સંયુક્ત સત્રને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા સમગ્ર ઈતિહાસમાં આપણે એઅ શીખ્યા છીએ કે જ્યારે સરમુખત્યારો એમની આક્રમક્તાની કિંમત ચૂકવતા નથી ત્યારે તેઓ વધારે અરાજકતા પેદા કરે છે. એ લોકો એમની હરકતો ચાલુ જ રાખે છે. એને કારણે અમેરિકા તથા દુનિયાના દેશો પર જોખમ અને ખર્ચો વધતો રહે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ યૂરોપ ખંડમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરાવવા માટે જ NATOની સ્થાપના કરવામાં આવી હતી. 29 સભ્ય દેશો સાથે આ સમૂહમાં અમેરિકા પણ એક સભ્ય છે. અમેરિકાની મુત્સદ્દીગીરીનું પણ મોટું મહત્ત્વ છે. પુતિને કરેલું યુદ્ધ સુનિયોજિત અને ઉશ્કેરણી વગરનું છે. રાજદ્વારી રીતે પ્રશ્નો ઉકેલવાના પ્રયાસોને એમણે ઠુકરાવી દીધા હતા. એમણે એમ સમજી લીધું કે પશ્ચિમી દેશો અને NATO કોઈ પ્રતિસાદ નહીં આપે. એમણે એવું પણ વિચારી લીધું હતું કે તેઓ આપણામાં ભાગલા પડાવવામાં સફળ થશે. પુતિન ખોટા પડ્યા છે. આપણે સજ્જ છીએ.