પેરિસ: દેશમાં લાગુ કરાયેલા નાગરિકતા બિલ અને એનઆરસીનો વિરોધ હવે દેશ પુરતો જ મર્યાદીત નથી રહ્યો આ વિરોધનો વંટોળ સાત સમંદર પાર કરીને પરદેશમાં પણ પહોંચ્યો છે. પચાસ લોકોનું એક ટોળું શાંતિપ્રિય રીતે બેનર્સ સાથે પેરિસના એફીલ ટાવર અને ઈન્ડિયન એમ્બેસી પેરિસ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું.
આ વિરોધ પેરિસમાં કોઈ માગણીને લઈને નહીં પરંતુ ભારતમાં લાગુ કરાયેલા સીએએ અને એનઆરસીનો હતો. વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં પોલીસ દ્વારા કરાયેલી બર્બરતાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ લોકોએ હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ભારત તેની અખંડીતતા અને એક્તા માટે જાણીતું છે… તેના ભાગલા ન કરો…. મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી વખત પેરિસમાં સીએએ-એનઆરસી મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે.
આ લોકોએ પ્રેમનું પ્રતીક મનાતા એફીલ ટાવર નીચે ઉભા રહીને ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું ગૌરવપૂર્ણ વાંચન અને અન્ય ગીતો ગાયા હતા. તો ભારતીય દૂતાવાસ સામે ઉભા રહીને ભારતનું રાષ્ટ્રગાન પણ ગાયુ હતું. આ લોકોએ અહીં સીએએની સમજ આપવા માટે અન્ય મુસાફરોને પણ પત્રિકાઓ વહેંચી હતી. આ વિરોધ પ્રદર્શન દ્વારા આયોજકોનું આંતરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરણ કરવાનું લક્ષ્ય છે. વિશ્વના ધર્મનિરપેક્ષ પ્રકૃતિને સુરક્ષિત રાખવા માટે ભારતીયોની એક્તા જ સૌથી મોટી લોકશાહી છે તેવું તેમનું માનવું છે.
આ પ્રદર્શનકારીઓ દ્વારા ભારત સહિતના આંતરાષ્ટ્રીય સાથીઓને પણ વિનંતી કરાઈ હતી ખાસ કરીને ફ્રાન્સમાં રહેતા લોકોને. તેમનું કહેવું છે કે, ભારતમાં ભારતીય બંધારણના અધિકારોને ટેકો આપો અને તેના ઉલ્લંઘનનો વિરોધ. ધર્મને ધ્યાનમાં લીધા વગર નાગરિકતા હકોને સુરક્ષિત કરો. બીજી તરફ વિરોધકર્તાઓને ધમકીનો પણ સામનો કરવો પડયો હતો. ભારજ તરફી સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ તેનો જવાબ ગીત ગાઈને આપ્યો હતો. તેમણે હમ હોંગે કામ્યાબ…એ ગીતથી શાંતિપૂર્ણ સ્વભાવ જાળી રાખ્યો હતો.
પેરિસના સંશોધન વિદ્ધાન ડેમિયન કે જે નવી દિલ્હીના છે તેમણે કહ્યું કે, સીએએ મૂળભૂત રીતે ભેદભાવકારક અને નાગરિકતાને ધર્મને આધારે વર્ગીકરણ કરાઈ હોય તેનું આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. વિરોધીઓ એવું પણ માને છે કે, આ સુધારણા ભારતના બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે. જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, કાયદો તમામ લોકોનું રક્ષણ કરે છે.
હાલ પેરિસમાં રહેતા અને મૂળ ગુજરાતના વતની સાહિલ કહે છે કે, એક એવો પણ વર્ગ છે જે કહે છે કે સીએએમાં કંઈ ખોટું નથી, પણ એનઆરસી સાથે મળીને સમગ્રપણે ભારતભરમાં જોતાં એ ભારતની બિનસાંપ્રદાયિક અને વિવધતામાં એકતાની છબીને નુકસાન પહોંચાડી શકે છે.