ઈસ્લામાબાદ – ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનની લશ્કરી અદાલતે મૂકેલા જાસુસી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવાના આરોપ અને એમને કરેલી ફાંસીની સજા અંગે અસરકારક રીતે સમીક્ષા અને ફેરવિચારણા કરવાનો આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આદેશ આપ્યા બાદ આ મામલે પાકિસ્તાન કાયદાનુસાર આગળ વધશે એવું પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે કહ્યું છે.
49 વર્ષીય અને ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે 2017ના એપ્રિલમાં ફાંસીની સજા ફરમાવી હતી. જોકે એની સામે ભારત સરકારે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા અને જાધવની ફાંસી રદ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગઈ હતી.
જજ અબ્દુલકાવી એહમદ યુસુફની આગેવાની હેઠળની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવારે 15 વિરુદ્ધ 1 મતથી આદેશ આપ્યો હતો કે પાકિસ્તાને જાધવ પરના આરોપ અને એમને કરાયેલી સજા વિશે અસરકારક રીતે સમીક્ષા અને ફેરવિચારણા કરવી અને ત્યાં સુધી જાધવની સજા સસ્પેન્ડ રહેશે.
આંતરરાષ્ટ્રીય કોર્ટે જોકે જાધવની સજા રદ કરવા અને એમને તાત્કાલિક સુરક્ષિત રીતે ભારત પાછા મોકલી દેવાનો પાકિસ્તાનને આદેશ આપવાની ભારતની માગણીને નકારી કાઢી હતી.
પાકિસ્તાનના અખબારોએ કોર્ટના ચુકાદાને પાકિસ્તાનની જીત તરીકે ગણાવીને આવકાર્યો છે. અખબારોનું કહેવું છે કે જાધવની સજાને ભારત રદ કરાવી શક્યું નથી.
ચુકાદાના અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન કાયદા અનુસાર આગળ વધશે, કારણ કે અમે કાયદાનું પાલન કરનાર દેશ છીએ. આઈસીજેના ચુકાદાએ પાકિસ્તાનમાં અદાલતી પદ્ધતિમાં વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે, કારણ કે સમીક્ષા અને ફેરવિચારણા કરવાનું એણે અમને અમારી પદ્ધતિ પ્રમાણે કરવા કહ્યું છે.