વ્લાડિવોસ્ટોક (રશિયા) – જમ્મુ અને કશ્મીરમાં બંધારણની કલમ 370 રદ કરવાના ભારત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની પાકિસ્તાનની વારંવારની વિનંતીને રશિયાએ નકારી કાઢી એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ સંસ્થાની બેઠકમાં ભાગ લેવા તથા ભારત-રશિયા 20મી દ્વિપક્ષી શિખર મંત્રણા માટે રશિયા ગયા છે.
પુતિન સાથેની વાર્ષિક મંત્રણા દરમિયાન મોદીએ પોતે જ જમ્મુ-કશ્મીરનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને પુતિનનો આભાર માની એમને કહ્યું હતું કે કશ્મીર મામલે પાકિસ્તાન ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી રહ્યું છે.
જમ્મુ-કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમને રદ કરવાના પોતાની સરકારના નિર્ણય પાછળના તર્કની મોદીએ પુતિનને સમજ આપી હતી.
વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારો સાથેની વાતચીતમાં આ વિશેની જાણકારી આપી હતી.
કશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીને નકારી કાઢી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપવા બદલ મોદીએ પુતિનનો આભાર માન્યો હતો.
ભારતે અવારનવાર દુનિયાના દેશોને કહી દીધું છે કે કશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આપસનો જ છે અને તેઓ એને મંત્રણા દ્વારા જ ઉકેલશે. આમાં અન્ય કોઈ ત્રીજા દેશ કે પક્ષની દરમિયાનગીરીની જરૂર નથી.