મનામા – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેહરીનના આ પાટનગર શહેરમાં આજે શ્રીનાથજી (શ્રીકૃષ્ણ) મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. અખાતમાં આ સૌથી જૂના મંદિરોમાંનું એક છે.
વડા પ્રધાન G7 શિખર સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ જતા પહેલાં મનામા શહેરના આ મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
વડા પ્રધાને આ મંદિરના પુનર્વિકાસ કાર્યનો આજે આરંભ કરાવ્યો હતો. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ 42 લાખ ડોલરનો છે. નવું મંદિર સંકુલ 16,500 સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનાવવામાં આવશે. નવું મકાન ચાર માળનું હશે.
આ મંદિર અખંડ ભારતના સિંધ પ્રાંતમાંથી આવેલા ઠઠ્ઠાઈ હિન્દુ સમાજનાં લોકોએ બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને તે 1817માં બાંધવામાં આવ્યું હતું.
આ મંદિર ઠઠ્ઠા હિન્દુ મર્કન્ટાઈલ સમાજની માલિકીનું છે. આ સમાજ ઠઠ્ઠાઈ ભાટિયા તરીકે ઓળખાય છે. ઠઠ્ઠાઈ ભાટિયા સમાજનાં લોકો 19મી સદીના આરંભમાં બેહરીનમાં જઈને વસ્યા હતા અને બેહરીનમાં ધંધો-વ્યાપાર શરૂ કર્યો હતો. બેહરીનમાં કાચા તેલની શોધ કરવામાં આવી એની પહેલાંથી જ આ સમાજે બેહરીનને પોતાનું ઘર બનાવી લીધુ્ં હતું. હાલ બેહરીનમાં એવા ઘણા ઉદ્યોગપતિઓ છે જેઓ ઓઈલ કંપનીઓનાં માલિકો છે.
બેહરીનમાં વસતા ભારતીય સમાજનાં લોકોને સંબોધિત કરતાં વડા પ્રધાને શનિવારે કહ્યું હતું કે બેહરીન અને ગુજરાત વચ્ચે ઘણો જૂનો સંબંધ રહેલો છે. હું શ્રીનાથજી મંદિરમાં દર્શન કરવા જવાનો છું અને મંદિરનાં પુનર્વિકાસ કાર્યનો આરંભ કરાવીશ. આ મંદિર આપ સૌનાં વિશ્વાસનું પ્રતિબિંબ છે અને બેહરીનનાં સાંસ્કૃતિક વિવિધતાને અંજલિ સ્વરૂપ છે.
મનામા શહેરનાં અલ ગુડાઈબિયા મહેલમાં શનિવારે બેહરીનના રાજા હમાદ બિન ઈસા બિન સલમાન અલ ખલીફાએ મોદીને ‘કિંગ હમાદ ઓર્ડર ઓફ રિનેઝન્સ’ એવોર્ડ આપીને સમ્માનિત કર્યા હતા. ભારત અને બેહરીનની મિત્રતાને અંજલિરૂપે મોદીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.