ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને કર્યું અબ્દાલી મિસાઈલનું પરીક્ષણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના માહોલમાં, પાકિસ્તાને 3 મે, 2025ના રોજ 450 કિલોમીટરની રેન્જ ધરાવતી ‘અબ્દાલી’ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો કર્યો છે. આ પરીક્ષણ સોનમિયાની રેન્જમાં ‘ઈન્ડસ’ નામની સૈન્ય કવાયતના ભાગરૂપે હાથ ધરાયું હતું. પાકિસ્તાનના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ આ ઓપરેશનલ ટ્રાયલ યોજાયું, જે દેશની પરમાણુ સક્ષમ મિસાઈલોની દેખરેખ રાખે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ પરીક્ષણ અબ્દાલી વેપન સિસ્ટમની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ દરમિયાન સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ શાહબાઝ ખાન અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ડિરેક્ટર જનરલ મેજર જનરલ શહરયાર પરવેઝ બટ્ટ હાજર રહ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન પર આયાત પ્રતિબંધ અને સિંધુ જળ સંધિ સ્થગિત કરવા જેવા પગલાં લીધા છે. આ મિસાઈલ પરીક્ષણથી બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ગાઢ બનવાની શક્યતા છે.