ઈસ્લામાબાદ – ભારત સરકારે જમ્મુ-કશ્મીર રાજ્યમાં બંધારણની 370મી કલમ રદ કરી દીધી અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું એના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે જોડતી રેલ સેવાને સસ્પેન્ડ કરી દીધી છે.
પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશીદે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે સમજૌતા એક્સપ્રેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી હું રેલવે પ્રધાન છું ત્યાં સુધી સમજૌતા એક્સપ્રેસ દોડશે નહીં.
સમજૌતા એક્સપ્રેસ અથવા મૈત્રી એક્સપ્રેસ દર ગુરુવાર અને સોમવારે ભારતમાં નવી દિલ્હી અને અટારી તથા પાકિસ્તાનના લાહોર વચ્ચે દોડાવવામાં આવે છે. આ ટ્રેનમાં 6 સ્લીપર ડબ્બા અને એક AC 3-ટાયર કોચ હોય છે.
આ ટ્રેનને 1976ની 22 જુલાઈએ શરૂ કરવામાં આવી હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરતી શિમલા સમજૂતી અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. સમજૂતી અથવા કરારના હિન્દી શબ્દ સમજૌતાનો ઉપયોગ આ ટ્રેનને નામ આપવામાં કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષી વ્યાપાર સંબંધોને પણ સ્થગિત કરી દીધા છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં સેવા બજાવી રહેલા ભારતીય રાજદૂતને બુધવારે હાંકી કાઢ્યા હતા અને ભારત સાથેનો દ્વિપક્ષી વ્યાપાર સસ્પેન્ડ કરી દીધો છે.
ભારત સરકારે ગયા સોમવારે મોટો નિર્ણય લઈને બંધારણની 370મી કલમને રદબાતલ જાહેર કરી દીધી છે જે હેઠળ જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો. સરકારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે – એક, જમ્મુ અને કશ્મીર તથા બીજો લદાખ.
આ પહેલાં જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ભારતના અર્ધલશ્કરી દળો પર ત્રાસવાદી હુમલો કરાયા બાદ અને એ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું માલૂમ પડ્યા બાદ ભારતે સમજૌતા એક્સપ્રેસને સસ્પેન્ડ કરી દીધી હતી.
1976ની 22 જુલાઈએ આ ટ્રેનને ભારતના અમૃતસર અને પાકિસ્તાનના લાહોર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. તેનું અંતર બાવન કિ.મી. હતું. 80ના દાયકામાં પંજાબમાં અશાંતિ ઊભી થયા બાદ સલામતીના કારણોસર ભારતે તે ટ્રેન સફરને અટારી સુધી સીમિત કરી દીધી હતી. ત્યાં કસ્ટમ્સ અને ઈમિગ્રેશન મંજૂરીઓ આપવામાં આવી હતી.
2000ની 14 એપ્રિલે, ભારતીય રેલવે અને પાકિસ્તાન રેલવે વચ્ચેના કરાર મુજબ અંતરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેન જ્યારે શરૂ કરાઈ હતી ત્યારે દૈનિક હતી, પણ 1994થી એને બદલીને અઠવાડિયામાં બે વાર કરી દેવાઈ હતી.