ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને રાજદ્રોહના મામલે મંગળવારે વિશેષ કોર્ટે મોતની સજા સંભળાવી છે. આર્ટિકલ 6 હેઠળ આ સજા સંભળાવવામાં આવી છે. મુશર્રફે 3જી નવેમ્બર 2007માં બંધારણને સ્થગિત કરીને કટોકટી લાગુ કરી દીધી હતી. આ મામલામાં તેમના વિરુદ્ધ 2013માં સુનાવણી કરવામાં આવી હતી. માર્ચ 2014માં તેઓ દોષિત સાબિત થયા હતા. મુશર્રફ ધીમી ગતિથી ચાલતી ન્યાય પ્રક્રિયાનો ફાયદો ઉઠાવી માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દુબઈ ભાગી ગયા હતા.
પાકિસ્તાનથી બહાર દુબઈમાં દેશનિકાલનું જીવન જીવી રહેલા મુશર્રફના ભવિષ્યને લઈને હવે પ્રશ્નચિન્હ લાગી ગયું છે. પાકિસ્તાનમાં કાયદાના જાણકારોનું કહેવું છે કે, 1973માં બનેલા નવા કાયદા હેઠળ પ્રથમ વખત કોઈને દોષિ ઠેરવવામાં આવ્યા છે જેમાં વધુમાં વધુ સજા ફાંસીની છે. આ સ્થિતિમાં મુશર્રફને ઉપલી અદાલતમાં અપીલની તક મળશે કે નહીં તેને લઈને પણ અસમંજસની સ્થિતિ છે.
મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાનમાં શાસન કર્યું. તેઓ પાકિસ્તાનના પહેલા સૈન્ય શાસક છે, જેમની વિરુદ્ધ કોર્ટમાં કેસ થયો છે. પૂર્વ વડાપ્રધાન બેનર્જી ભુટ્ટો અને લાલ મસ્જિદના ધાર્મિક ગુરુની હત્યાના કેસમાં મુશર્રફને ભાગેડું જાહેર કરાયા હતા.
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટ સમક્ષ કેસની કાર્યવાહી અટકાવવા અંગેની અપીલ કરી હતી. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ હતો.
ઉલ્લેખનીય મુશર્રફને પાકિસ્તાનની હાઈકોર્ટ અને વિશેષ કોર્ટ ઘણી વખત સમન આપી ચુક્યા છે. જો કે, તેઓ દર વખતે દુબઈથી જ બિમારીનું બહાનું બનાવીને પાકિસ્તાન પાછા જવા માટે ઈન્કાર કરી દે છે.
તાજેતરમાં જ મુશર્રફે હોસ્પિટલમાંથી એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેઓ પથારી પરથી જ સૂતા સૂતા કહી રહ્યા છે કે, ‘દેશદ્રોહનો કેસ ખોટો છે, ગદ્દારી તો છોડો, મેં આ દેશની 10 વર્ષ સેવા કરી, ઘણી વખત યુદ્ધ લડ્યા. આજે મારા વિરુદ્ધ તપાસ કમિશન બનાવાઈ રહ્યું છે. પણ આ કમિશને અહીંયા આવીને મારી તબિયત જુઓ અને નિવેદન આપો. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવે. કમિશનની વાત કોર્ટ પણ સાંભળે. આશા છે કે મને આશા કે મને ન્યાય મળશે’