ઈસ્લામાબાદ- પાકિસ્તાને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસેથી 8 અબજ ડોલરના લોન પેકેજની માગ કરી છે. પાકિસ્તાન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું લોન પેકેજ માગવામાં આવ્યું છે. IMFના વડા ક્રિસ્ટીન લેગાર્ડે ઈન્ડોનેશિયામાં પાકિસ્તાનના નાણાંપ્રધાન સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, લોન આપતા પહેલાં IMFની ટીમ ઈસ્લામાબાદની મુલાકાત લેશે.પાકિસ્તાન સરકારે દેશને ગંભીર આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે આ લોન પેકેજની માગ કરી છે. જો કે આ લોન આપવા માટે IMF કડક શરતો મૂકી શકે છે. મળતી માહિતી મુજબ નવાઝ શરીફનો પક્ષ PML-N સત્તામાં હતો ત્યારથી જ IMF પાસેથી લોન મેળવવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી.
આ અંગેની સત્તાવાર જાહેરાત કરતાં પાકિસ્તાનના નાણાંપ્રધાન અસદ ઉમરે જણાવ્યું હતું કે, દેશને ગંભીર આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે પાકિસ્તાન સરકારે IMF પાસે લોન માગવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનની આ માગના સંદર્ભમાં IMF દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે પાકિસ્તાનની માગણી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ પહેલાં પણ IMF પાસેથી 12 વખત લોન લીધી છે.