નવી દિલ્હી: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ એવા પ્રયત્નો કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય.
ભારતીય વિમાન ક્ષેત્ર સંલગ્ન એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાને પોતાની આ ચાલ પોતાના એરસ્પેસ દ્વારા ખેલી છે. ભારતીય વાયુસેનાના આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં કરાયેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન ખુબ અકળાયેલું છે. 26 ફેબ્રુઆરી બાદથી પાકિસ્તાને એરસ્પેસ બંધ રાખી છે. 26 ફેબ્રુઆરીથી આજ સુધી કોઈ પણ બિન પાકિસ્તાની વિમાનને પાકિસ્તાનના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી અપાતી નથી. તેમણે જણાવ્યું કે એર સ્ટ્રાઈક બાદ ભારતે એક દિવસ પણ પોતાની એર સ્પેસ બંધ કરી નથી. જ્યારે પાકિસ્તાન દરરોજ પોતાના એર સ્પેસ ક્લોઝરના નોટમને વધારતું જાય છે.
ભારતીય એરલાઇન્સ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના એરસ્પેસમાંથી પસાર થનાર વિમાન કોઇ નવી યોજના પર કામ ના કરી શકે, તેના માટે પાકિસ્તાની એવિએશન ઓથોરિટી દરરોજ નવા આદેશ રજૂ કરી રહી છે. દરરોજ સાંજે તેઓ બીજા દિવસના એરસ્પેસ ક્લોઝરનું નોટમ રજૂ કરી રહ્યાં છે. તેની અસર ભારતથી યુરોપ અને અમેરિકા જનારી ફ્લાઇટ્સ પર પડી રહી છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાના લીધે ભારતથી યુરોપ અને અમેરિકાની અવરજવર કરનાર ફ્લાઇટ્સને અંદાજે દોઢ થી બે કલાકનું વધુ અંતર કાપવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે મુસાફરીનો સમય વધતા એરપોર્ટ પર વિમાન લેન્ડ થવામાં અને ફરીથી ટેક-ઓફ માટે સ્લોટ લેવામાં મુશ્કેલી પડે છે. આ સિવાય વિમાનનું એંગજમેન્ટ અને ઇંધણ વપરાશ વધી રહ્યો છે.