ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદમાં આતંકવાદી હુમલો; અંધાધૂંધ ગોળીબારમાં 49નાં મરણ

ક્રાઈસ્ટચર્ચ – ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોમાં આજે બપોરે કરાયેલા ભયાનક ત્રાસવાદી હુમલામાં 49 જણનાં જાન ગયા છે. એક હુમલો લિનવૂડ ઈસ્લામિક સેન્ટરમાં કરાયો હતો, જ્યાં ઓછામાં ઓછા 10 જણ માર્યા ગયા હતા અને બીજો હુમલો મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદમાં કરાયો હતો જ્યાં 30 જણ માર્યા ગયા છે.

હુમલો કરાયો એ વખતે બાંગ્લાદેશના ક્રિકેટરો પણ ત્યાં હાજર હતા, પણ એ સૌ આબાદ બચી ગયા છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટશ્રેણી રમવા આવી છે. જોકે આ હુમલાને પગલે ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે આ શહેરમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચને રદ કરી દેવામાં આવી છે અને બાંગ્લાદેશી ટીમ પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પાછી ફરશે.

ક્રિકેટર તમીમ ઈકબાલ ખાને ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા આ ભયાનક હુમલાને લઈને ટ્વીટ કરતાં લખ્યું કે, ‘અમારી આખી ટીમ આ આતંકવાદીઓના હુમલાથી બચી ગઈ છે. અમારા સહુ માટે આ બહુ કંપાવનારો અનુભવ હતો. પ્લીઝ, અમને તમારી પ્રાર્થનાઓમાં રાખજો.’

httpss://twitter.com/TamimOfficial28/status/1106374964779708416

સાઉથ આયલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની પોલીસે કહ્યું કે પોલીસ જવાનોએ ખબર મળતાં જ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. ન્યૂઝીલેન્ડ પોલીસે 4 શકમંદ હુમલાખોરોને પકડી લીધા છે. જેમાં એક મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ છે. જેમાંનો મુખ્ય આરોપી ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતો જમણેરી વિચારસરણીવાળો આતંકવાદી છે. જેનું નામ બ્રેંટન ટેરેંટ જાણમાં આવ્યું છે.

આ નાગરિક વિશે ભાળ મળતાં જ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિઝને આ હુમલાને વખોડી કાઢતાં ન્યૂઝીલેન્ડને ઉદ્દેશીને કહ્યું કે, ‘આ દુઃખદ સમયે અમે તમારી સાથે છીએ. આપણે ફક્ત બિઝ્નેસ પાર્ટનર્સ જ નથી. પણ આપણે એક ફેમિલિ પણ છીએ.’

ઉપરાંત મોરિઝને સ્વીકાર્યું કે આતંકવાદી બ્રેંટન ટેરેંટનું નાગરિકત્વ ઓસ્ટ્રેલિયન છે. અને ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓ આ આતંકવાદી કડીની તપાસ કરી રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડનાં મહિલા વડાં પ્રધાન જેસિન્ડા આર્ડને હુમલાને વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આજનો દિવસ દેશનાં ઈતિહાસનો સૌથી અંધકારમય છે.  આજ સુધીમાં ન ધારેલો અને ન્યૂઝીલેન્ડનાં ઈતિહાસમાં ન થયેલો એવો આ અતિ ભયાનક આતંકવાદી હુમલો છે.

હુમલો કરાયો હતો એ વખતે અલ નૂર મસ્જિદમાં લોકો મોટી સંખ્યામાં નમાઝ પઢવા માટે હાજર હતા.

બનાવ નજરે જોનારા એક જણે કહ્યું કે એણે હુમલાખોરને બાળકો ઉપર પણ ગોળીઓ છોડતો જોયો હતો. આજુબાજુ મેં લોકોને પડેલા જોયા હતા.