નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનની સીમાની અંદર ઘૂસીને જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જૈશ-એ-મહોમ્મદના લગભગ 300 આતંકીઓનો સર્વનાશ કર્યો છે. હવે પાકિસ્તાન હેબતાઈ ગયું છે અને ભારત પર દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવી રહ્યું છે. પોતાની આ ખોટી સ્ટોરીને મજબૂતી આપવા માટે પાકિસ્તાન બાલાકોટથી આતંકીઓના શબને હટાવી રહ્યું છે.
ભારતીય વાયુસેનાએ આજે સવારે 3.30 વાગ્યાના સુમારે બાલાકોટમાં આ એટેક કર્યો છે. ભારતના આ હુમલામાં આશરે 300 આતંકીઓના સફાયાની વાત સામે આવી છે. હવે પાકિસ્તાન કહી રહ્યું છે કે ભારતને સીમાનું ઉલ્લંઘન કર્યું છે. તો આ સાથે ભારતના દાવાઓને એમ કહીને ફગાવી રહ્યું છે કે અમે લોકોએ ભારતીય વિમાનોને પાછા જવા પર મજબૂર કર્યા છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારત દ્વારા ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આના માટે અમે પાકિસ્તાની અને વિદેશી મીડિયાને બાલાકોટ લઈ જવાની તૈયારી કરી રહ્યાં છીએ. કુરેશીનું કહેવું છે કે અમે દેશવિદેશના મીડિયાને બાલાકોટ લઈ જઈને હકીકત બતાવવા માગીએ છીએ અને ભારતના દુષ્પ્રચારને દુનિયા સમક્ષ રાખવા ઈચ્છીએ છીએ.
જો કે આ વચ્ચે ભારતીય સૂત્રોને એ સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન ત્યાં મીડિયાને લઈ જતાં પહેલાં આતંકીઓના શબોને હટાવવાનું કામ કરી રહ્યું છે. શાહ મહમૂદ કુરેશીએ પોતાના નિવેદનમાં આ મામલે વાત કરી છે. કુરેશીએ કહ્યું છે કે અમારા હેલિકોપ્ટર મીડિયાને બાલાકોટ લઈ જવા માટે તૈયાર છે, પરંતુ આ વચ્ચે તેઓ વાતાવરણ ખરાબ હોવાનું બહાનું આપવા લાગ્યાં.
કુરેશે કહ્યું કે જો વાતાવરણ યોગ્ય રહેશે તો બાલાકોટ મીડિયાને લઈ જવામાં આવશે. હવે એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે બાલાકોટથી પાકિસ્તાન સ્ટ્રાઈકના સબૂત મીટાવી રહ્યું છે. અને જ્યાંથી સ્ટ્રાઈકના સબૂત મીટાવવામાં આવી રહ્યાં છે ત્યાં તે મીડિયાને લઈ જશે.