પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી 100થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હીઃ પાપુઆ ન્યુ ગિનીના એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનમાં 100થી વધુ લોકોનાં મોત થયાનો અંદાજ છે, કેમ કે ભારે સંખ્યામાં લોકો જમીનની નીચે દબાયેલા છે. ગ્રામીણોએ ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો મેળવ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોનો સત્તાવાર આંકડો નથી આવ્યો.

પોર્ટ મોરેસ્બીથી આશરે 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે ત્રણ કલાકે ભૂસ્ખલન થયું હતું, એમ ABC ન્યૂઝે જણાવ્યું હતું. એંગા પ્રાંતીય વહીવટી તંત્રનું કહેવું છે કે એણે આ દુર્ઘટનામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે એક ઇમર્જન્સી એક્શન ટીમની રચના કરવામાં આવી છે.

આ ભૂસ્ખલનમાં બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ભૂસ્ખલનને કારણે ઘણાં ગામડાંઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.

ભૂસ્ખલન પહેલાં પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ ધરતીકંપ ફિન્શચાફેનથી 39 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર, આ ભૂકંપ પાપુઆ ન્યુ ગિનીમાં ગુરુવારે સવારે 9.49 કલાકે આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પણ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપની પુષ્ટિ કરી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.