ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના વાઈરસના 1000 જેટલા કેસ નોંધાયા છે અને સાત જણના મરણ નિપજ્યા છે તે છતાં ભારતની જેમ પાકિસ્તાનમાં પણ આ રોગચાળો વધારે ફેલાય નહીં તેથી લોકડાઉન કરવાની વડા પ્રધાન ઈમરાન ખાને ના પાડી દીધી છે.
પાકિસ્તાને સ્થાનિક સ્તરે વિમાન સેવા બંધ કરી દીધી છે. પાટનગર ઈસ્લામાબાદમાં ટ્રેન સેવા અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં કોરોનાનાં ચેપનો શિકાર બનેલા મોટા ભાગના લોકો ઈરાનમાંથી પાછા ફરેલા યાત્રાળુઓ છે. ઈરાનમાં કોરોનાએ જબ્બર હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસનો રોગચાળો મધ્ય પૂર્વ એશિયામાં ફેલાયો છે.
પાકિસ્તાનના દક્ષિણ ભાગના સિંધ પ્રાંતમાં 400 જેટલા લોકોને કોરોના થયો છે. પંજાબ પ્રાંતમાં 296 કેસ નોંધાયા છે તો ખૈબર પખ્તુનખ્વા વાયવ્ય સરહદ પ્રાંતમાં 78, બલુચિસ્તાનમાં કેસો નોંધાયા છે. પાટનગર ઈસ્લામાબાદમાં 10 જણ કોરોનાનાં શિકાર બન્યા હોવાનો અહેવાલ છે.
પાકિસ્તાન સરકારે સિંધ પ્રાંતમાં તો લોકડાઉન લાગુ કરાવી દીધું છે, પરંતુ ભારતની જેમ સમગ્ર પાકિસ્તાનમાં લોકડાઉન કરવાની ના પાડી છે. એમણે કહ્યું કે દેશવ્યાપી કર્ફ્યૂ લાગુ કરવાથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પડશે.
દેશવ્યાપી સંબોધનમાં, ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની 25 ટકા વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. દેશને લોકડાઉન કરીએ તો દૈનિક વેતન પર જીવતા લોકો, શેરીઓમાં ધંધો કરતા ફેરિયાઓ, નાના દુકાનદારોને ઘરમાં રહેવાની ફરજ પડશે, તો તેઓ કમાશે કેવી રીતે?