દક્ષિણ કોરિયાના સોલમાં સેમસંગના ચિપ પ્લાન્ટમાં ગેસ લીક થતાં કામદારનું મરણ

સોલ (દક્ષિણ કોરિયા) – અહીં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપનીના ચિપ પ્લાન્ટમાં આજે કાર્બન ડાયોક્સાઈડ ગેસ લીક થતાં એક કામદારનું મરણ નિપજ્યું છે અને બીજાં બે જણ ઘાયલ થયાં છે.

સોલ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા સુવોન વિસ્તારમાં આવેલી સેમીકન્ડક્ટર ફેક્ટરીના બેઝમેન્ટ ભાગમાં આ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય કામદાર બેભાન હાલતમાં મળી આવ્યા હતા, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એક કામદાર, જેની વય 24 વર્ષની હતી, એને હોસ્પિટલમાં બાદમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય બે કામદાર – જેમની વય અનુક્રમે 26 અને 54 વર્ષ છે, એ હજી પણ બેભાન છે.

સેમસંગ કંપનીએ જણાવ્યું છે કે બનાવ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. એવું મનાય છે કે કાર્બન ડાયોક્સાઈડ લીક થવાને લીધે શ્વાસ રૂંધાઈ જવાથી કામદારનું મરણ થયું હતું.

સેમસંગ વિશ્વમાં સ્માર્ટફોન્સ તથા મેમરી ચિપ્સની ટોચની ઉત્પાદક કંપની છે.