સોલ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર હોવા વિશે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર વહેતા થયા છે. તો બીજી તરફ એનું પડોશી દક્ષિણ કોરિયા કિમના નબળા સ્વાસ્થ્યના સમાચારને સતત નકારી રહ્યું હતુ. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિના વિદેશ નીતિના સલાહકાર ચુંગ ઈન મૂને જણાવ્યું છે કે, કિમ જીવીત છે અને એકદમ સ્વસ્થ છે.
આ સાથે જ મૂને જણાવ્યું કે, કિમને લઈને અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. કિમ જોંગ ઉન સ્વસ્થ છે અને તે 13 એપ્રિલથી દેશના વોનસૉન વિસ્તારમાં રહી રહ્યા છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી નથી.
કિમના સ્વાસ્થ્યની અટકળોની વચ્ચે ઉત્તર કોરિયાના સરકારી સમાચારપત્ર રોડોન્ગે રવિવારે એક એહવાલ પ્રકાશિત કર્યો હતો. અહેવાલ અનુસાર કિમે એ તમામ કારીગરોનો આભાર વ્યક્ત કર્યો છે જેઓ દેશના સમજીયોન શહેરમાં કામ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાએ શાસક કિમની પ્રવૃત્તિ વિશે કોઈ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હોય એવો આ કંઈ પહેલો પ્રસંગ નથી. કિમની તબિયત વિશે સમાચાર વહેતા થયા છે, ત્યારથી તે એમની પ્રવૃત્તિ વિશે સમાચારો પ્રગટ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 11 એપ્રિલ પછી જાહેર કાર્યક્રમોમાં કિમની ગેરહાજરીથી તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો શરુ થઈ હતી. તો કેટલાસ સમાચારપત્રોએ તો બિમારીને કારણે કિમનું મોત થયું હોવાના પણ દાવા કર્યા હતા.