પ્યોંગચાંગ– આજથી દક્ષિણ કોરિયામાં શરુ થઈ રહેલા શીતકાલીન ઓલમ્પિક રમતોત્સવ દરમિયાન અમેરિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરવાની કોઈપણ શક્યતાને નકારતા ઉત્તર કોરિયાએ સ્પષ્ટ ના પાડી છે.અહીંની સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા પ્રમાણે સરકારી અખબાર રોડોંગ સિનમુને વિદેશ મંત્રાલયના અધિકારીનો હવાલો આપીને જણાવ્યું કે, ઉત્તર કોરિયા ચર્ચા માટે ક્યારેય અમેરિકા સામે કરગરશે નહીં. જેથી વિન્ટર ઓલમ્પિક દરમિયાન અમેરિકા સાથે ચર્ચા કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી.
દક્ષિણ કોરિયાનો પ્રવાસ ફક્ત ઓલમ્પિક લક્ષી
ઉત્તર કોરિયાના અધિકારીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની એ ટિપ્પણીને હાસ્યાસ્પદ ગણાવી હતી જેમાં તેમણે બન્ને દેશો વચ્ચે બેઠક યોજાવા અંગે શક્યતા દર્શાવી હતી. ઉત્તર કોરિયાના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર કરિયાના પ્રતિનિધિ મંડળની દક્ષિણ કોરિયાની યાત્રા ફક્ત શિયાળુ રમતોત્સવને ધ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવી છે. આ યાત્રાનું કોઈ રાજકીય પ્રયોજન નથી.
દક્ષિણ કોરિયામાં આજથી શરુ થઈ રહેલા વિન્ટર ઓલમ્પિકના ઉદઘાટન સમારોહમાં ઉત્તર કોરિયાનું 22 સદસ્યનું પ્રતિનિધિમંડળ હાજરી આપશે. જેમાં ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ, તેમની નાની બહેન કિમ યો જોંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ ઉદઘાટન સમારોહમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ હાજર રહેશે.