લંડન – ગઈ કાલે લંડનમાં ધરપકડ કરાયેલા ડાયમંડ ઉદ્યોગના મહારથી અને ભારતના ભાગેડૂ નીરવ મોદીએ એમના ભારત પ્રત્યાર્પણની અરજીને પડકારવાનો લંડનની કોર્ટમાં નિર્ણય જાહેર કર્યો હતો અને જામીન પર છૂટવા માટે પાંચ લાખ પાઉન્ડ ચૂકવવાની તૈયારી પણ બતાવી હતી, પણ જજે ઓફર સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી.
એને કારણે નીરવને HM (હર મેજેસ્ટી) પ્રિઝન વોન્ડ્સવર્થ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ ભાગેડૂ જ્વેલર 29 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટનાં મહિલા જજે નીરવ મોદીને જામીન પર છોડવાનો ઈનકાર કર્યો હતો.
આ સાથે જ ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી નાણાકીય છેતરપીંડીના સંદર્ભમાં એક વધુ હાઈ-પ્રોફાઈલ પ્રત્યાર્પણ કેસમાં કાર્યવાહીનો આરંભ થઈ ગયો છે.
(HM (હર મેજેસ્ટી) પ્રિઝન વોન્ડ્સવર્થ જેલ)
લંડનમાં જ એક અન્ય ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો પણ કેસ ચાલી રહ્યો છે.
48 વર્ષીય નીરવ મોદીની ગયા મંગળવારે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લંડનના હોલબોર્ન વિસ્તારમાં ધરપકડ કરી હતી. ભારતમાં, પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 14,000 કરોડની છેતરપીંડી કર્યાનો નીરવ પર આરોપ છે અને ભારતમાં એમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટનાં જજ મેરી મેલોને નીરવને એમ કહીને જામીન મંજૂર કરવાની ના પાડી હતી કે, આ કેસના આરોપોમાં બહુ મોટી રકમ સંકળાયેલી છે અને નીરવ મોદી ભાગી જશે એવી સંભાવના રહેલી છે. પર્યાપ્ત રજૂઆતને કારણે હું એવું માનું છું કે એમને જો જામીન પર છોડવામાં આવે તો એ શરણે નહીં આવે.