નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક છતા, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી ઉંચુ નથી આવી રહ્યું. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ હચમચી ગયેલા પાકિસ્તાને એલઓસી પાસે મૂવેબલ આતંકી ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. અહેવાલો પ્રમાણે, આ ટ્રેનિંગ કેમ્પમાં જમાત-એ-ઈસ્લામી, જૈશ-એ-મહોમ્મદ, લશ્કર-એ-તૈયબા, અને હિજબુલ મુજાહિદ્દીનના ખૂંખાર આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
પાકિસ્તાનના મૂવેબલ આતંકી કેમ્પની તસવીરો પણ સામે આવી છે. આ તસવીરમાં જમાત-એ-ઈસ્લામી, જૈશ-એ-મહોમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીનના ખૂંખાર આતંકીઓ નજરે પડી રહ્યા છે. આ મૂવેબલ આતંકી ટ્રેનિંગ કેમ્પ ઓગસ્ટ મહીનામાં જ શરુ કરવામાં આવી છે. જેને આતંકી સંગઠન જમાત-એ-ઈસ્લામી લીડ કરી રહ્યું છે.(પ્રતીકાત્મક તસવીર)
પ્રાપ્ત વિગતો અનુસાર, લીપા, કાલૂ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર આશરે 220 આતંકીઓનો જમાવડો છે. આમાંથી પીઓકેના લીપા લોન્ચિંગ પેડ પર 100થી વધારે આતંકીઓ હાજર છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.