નવાઝ શરીફ, પુત્રી મરિયમને આજે કોર્ટમાં હાજર કરાશે

ઈસ્લામાબાદ – ભ્રષ્ટાચારના આરોપસર ગઈ કાલે લાહોર એરપોર્ટ પર જેમની ધરપકડ કરવામાં આવી હતી તે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને એમના પુત્રી મરિયમ નવાઝને આજે અદાલતમાં હાજર કરવામાં આવશે.

શરીફ પિતા-પુત્રીને ગઈ કાલે રાતે વિશેષ વિમાન દ્વારા પાટનગર ઈસ્લામાબાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી પોલીસો સશસ્ત્ર વાહન દ્વારા એમને અલગ અલગ રીતે રાવલપિંડી લઈ ગયા હતા જ્યાંની અદિયાલા જેલમાં એમને રાખવામાં આવ્યા હતા. જેલની હોસ્પિટલ ખાતે એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મરિયમને બાદમાં સેઈહાલા રેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં જેને કામચલાઉ સબ-જેલ ઘોષિત કરાઈ છે.

નવાઝ અને મરિયમ સાથેનું વિમાન ગઈ કાલે રાતે 9.15 વાગ્યે લાહોર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. ઈતિહાદ એરવેઝનું એમનું વિમાન લંડનથી અબુ ધાબી માર્ગે લાહોર પહોંચ્યું હતું. વિમાન ત્રણેક કલાક મોડું થયું હતું.

પિતા-પુત્રી લાહોર એરપોર્ટ ખાતે જ કોઈ પ્રકારના પ્રતિકાર વિના પાકિસ્તાનની ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોને શરણે થઈ ગયા હતા.

એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મુહમ્મદ બશીરે શરીફ અને મરિયમ સામે અદાલતી વોરંટ ઈસ્યૂ કર્યું હતું.

નવાઝ શરીફના પત્ની કુલસુમ ગળાના કેન્સરથી પીડાય છે અને લંડનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવાઝ અને એમના પરિવારજનો એટલા માટે લંડન ગયા હતા.

લંડનના પોશ વિસ્તાર ગણાતા એવનફિલ્ડમાં ચાર લક્ઝરિયસ ફ્લેટની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો શરીફ પિતા-પુત્રી પર આરોપ છે.