ટ્વિટરના CEO પદેથી ઈલોન મસ્ક રાજીનામું આપશે

ન્યૂયોર્કઃ ઈલોન મસ્કે કહ્યું છે કે કોઈ અનુગામી મળી ગયા બાદ પોતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર પદેથી રાજીનામું આપશે. મસ્કે ટ્વિટર પર લખ્યું છે કે, ‘આ કામગીરી સંભાળવા માટે કોઈક પર્યાપ્ત મૂર્ખ વ્યક્તિ મળી જશે કે તરત જ હું સીઈઓ તરીકે રાજીનામું આપીશ. ત્યારબાદ હું માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમોનું જ સંચાલન કરીશ.’

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરના સીઈઓ પદેથી શું પોતે રાજીનામું આપવું જોઈએ? એવો યૂઝર્સને સવાલ પૂછતો એક જનમત મસ્કે પોતે જ મૂક્યો હતો અને એમાં બહુમતી લોકોએ કહ્યું હતું કે મસ્કે રાજીનામું આપવું જોઈએ. મસ્ક જેના વડા છે તે ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા કંપનીના ઓફિસરોએ પણ સવાલ કર્યો હતો કે મસ્ક ટ્વિટરના સંચાલન પર એમનું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરશે? કારણ કે તેઓ તો પ્રોડક્ટ ડિઝાઈન અને એન્જિનીયરિંગના મહારથી છે. મસ્કે પોતે પણ કબૂલ કર્યું હતું કે ટ્વિટરને ખરીદી લીધા બાદ એમની પર કામનો બોજો વધી ગયો હોય એવું એમને લાગી રહ્યું છે. તેથી ટ્વિટરનું સીઈઓ પદ છોડી દેવા પોતે વિચારશે.