નવી દિલ્હી– બિયરની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવતાં કેરળ સ્થિત મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને નારાજગી વ્યક્ત કરી છે. સાથે વડાપ્રધાન મોદીને આ મામલે દખલ દેવાની માગ કરી છે. મહત્વનું છે કે, જે બિયરની બોટલ પર મહાત્મા ગાંધીની તસવીર છપાયેલી છે, તે ઈઝરાયલની એક બિયર કંપનીની છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ એબી જે. જોસે આ મામલે વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને પણ પત્ર લખીને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સંસ્થાના અધ્યક્ષ જોસે જણાવ્યું કે, તેમણે એક ટિક-ટોક વીડિયોમાં જોયું કે, ઈઝરાયલમાં કામ કરનાર એક ભારતીયે એક બિયરની બોટલ હાથમાં પકડી છે. આ બિયરની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છપાયેલી છે. જેથી મારી જેમ વિશ્વભરમાં લાખો ગાંધીવાદી લોકોને દુ:ખ પહોંચ્યું છે. જોસના અનુસાર તેફેન ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં માલકા બ્રેવરીમાં આ બિયરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બિયરની બોટલો પર વિશ્વભરના જાણીતા નેતાઓની તસવીરો હોય છે. મહત્વનું છે કે, ગાંધીજીએ જીવનભર દારુબંધી માટે સંઘર્ષ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર બિયરની બોટલો પર જે તસવીર છપાયેલી છે તે તેલ અવીવમાં રહેતા ડિઝાઈનર અમિથ શ્યોમનીએ ડિઝાઈન કરી છે. બિયર પર છયાપેલી તસવીરમાં ગાંધીજીને ચશ્મા, ટીશર્ટ પહેરેલા દેખાડવામાં આવ્યા છે. સાથે ગાંધીજીના ટીશર્ટ ઉપર એક ઓવરકોટ પણ પહેરાવવામાં આવ્યો છે. હાલ મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને બિયરની બોટલ પરથી ગાંધીજીની તસવીર હટાવવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં ઈગ્લેન્ડમાં પણ કનેક્ટિકટ સ્થિત ક્રાફ્ટ બિયર કંપનીએ પણ ગાંધીવાદી થીમનો ઉપયોગ કર્યો હતો. જોકે વિવાદ વધતા કંપનીએ માફી માગી હતી.