મંદિરમાં વાળનું દાન, 55 દેશમાં હજારો કરોડનો ધમધમતો વેપાર

નવી દિલ્હી- માણસના વાળનું બજાર. સાંભળવામાં ભલે અજીબ લાગે પણ ભારત વિશ્વભરમાં વાળનું સૌથી મોટું વિક્રેતા છે. ભારતીય સમાજમાં પૌરાણિક માન્યતા હેઠળ વાળ કપાવવાની પરંપરા છે. નાના બાળકોનું મૂંડન હોય કે, પછી કોઈનું મૃત્યું થયું હોય ભારતમાં વાળ કપાવવાની પંરપરા વર્ષોથી ચાલી આવી છે. અહીંના ઘણાં મંદિરોમાં માથાના વાળા દાન કરવાની પરંપરા છે. એટલે કે લોકો મંદિરોમાં ભગવાનને તેમના માથાના વાળ અર્પણ કરી દે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તિરુપતિ અને તિરુમાલા મંદિર આ મામલે સૌથી પ્રમુખ છે. અહીં માનતા પૂરી થતાં લોકો તેમના વાળનું દાન કરે છે. પુરૂષો અને મહિલાઓ બંને અહીં તેમના વાળ અર્પણ કરે છે.

સામાન્ય રીતે હિન્દૂ ધર્મના રિવાજ અનુસાર બાળકો અને પુરુષોના વાળનું જ મુંડન કરવામાં આવે છે પરંતુ તિરુમાલામાં કેટલા સમુદાયોની મહિલાઓ પણ વાળનું મુંડન કરાવે છે.

પ્રતિ દિવસ લાખો લોકો તિરુપતિ બાલાજી મંદિર જાય છે. અંદાજે 20,000 લોકો પ્રતિ દિવસ તેમના માથાના વાળનું દાન કરે છે. મહિલાઓના લાંબા વાળ બજાર માટે વધુ ફેવરિટ માનવામાં આવે છે. તિરુપતિ અને તિરુમાલા મંદિર પ્રશાસન આ વાળનું વેચાણ કરે છે. વાળને હેર ડ્રેસિંગ સાથે જોડાયેલા કારોબારીઓ ખરીદે છે. મહિલાઓના લાંબા વાળને ધોયા પછી રંગ કરીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ વાળને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. મશીન અને કાંસકાની મદદથી વાળને ઓળાવી અલગ અલગ લંબાઈની લટો બનાવવામાં આવે છે.

વિદેશી ગ્રાહકોના અસલી વાળ વેચનારા લોકો પાસે દરેક પ્રકારની વેરાયટી હોય છે. કાળા, લાલ, સુવર્ણ, ઘૂંઘરાળા અથવા સીધા વાળ. 2015માં ભારતે 2000 કરોડ રૂપિયાના વાળ વેચ્યાં હતાં.

આ વાળ પ્રતિકિલો 350 યુરો જેટલી કિંમતે વેચાય છે. દરેક વાળના ગૂથ્થાને વ્યવસ્થિત રીતે જુદા પાડવામાં આવે છે જેથી ગૂંચ વગરની આખી વિગ અથવા હેર-એક્સ્ટેન્શન તૈયાર થઈ શકે છે. આ વાળોનો 55 જેટલા દેશોમાં વેપાર થાય છે. ભારતમાં નિઃશુલ્ક કિંમતે મેળવેલા આ વાળ પેરિસના સલૂનમાં 1000 યુરોએ વેચાય છે. પશ્ચિમી દેશોની મહિલાઓમાં ભારતમાંથી આવેલા વાળના હેર-એક્સ્ટેન્શન્સની સારી એવી માગ હોય છે.

બીજી તરફ, આ મંદિરનું ટ્રસ્ટ એટલું વિશાળ છે કે એ અન્ય પ્રોપર્ટીઝ ધરાવવા ઉપરાંત સ્કૂલ-હોસ્પિટલ પણ ચલાવે છે, જો આ વાળનો વેપાર ન થતો હોય તો આટલી આવકનો કોઈ બીજો સ્રોત દેખાતો નથી.

ભારતીય વાળનું બજાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. આ વાળ યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને કેનેડા સુધી પહોંચાડવામાં આવે છે. પુરૂષોના વાળનો ઉપયોગ વિગ,દાઢી અને નકલી મૂછો બનાવવા માટે થાય છે.