હ્યુસ્ટન (ટેક્સાસ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના સમ્માનાર્થે અત્રેના એનઆરજી સ્ટેડિયમ ખાતે આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીય સમય મુજબ રવિવારે રાતે 9.30 વાગ્યે સ્ટેજ પર આગમન કર્યું એ સાથે જ હજારો ભારતીય-અમેરિકન દર્શકોએ આનંદની ચિચિયારીઓ અને ‘મોદી મોદી’ નારા વડે વાતાવરણને ગજાવી મૂક્યું હતું. સ્ટેજ પર એ વખતે ટેક્સાસ રાજ્યના વર્તમાન અને ભૂતપૂર્વ સેનેટર્સ, હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નર, અન્ય અમેરિકી સંસદસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મોદીને સ્ટેજ પર એમણે આવકાર્યા હતા.
લગભગ અડધા કલાક બાદ પીએમ મોદી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સ્ટેજ પર હાજર થયા હતા. એ વખતે પણ હજારો દર્શકોએ સૌથી મોટા લોકતાંત્રિક દેશોનાં વડાઓને હર્ષનાદો સાથે આવકાર્યા હતા.
મોદીએ પોતાના સંબોધનમાં પ્રમુખ ટ્રમ્પની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. એમણે કહ્યું હતું કે, આજનો દિવસ દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશ વચ્ચેની મિત્રતાનો દિવસ છે. દુનિયામાં યુએસ પ્રમુખ ટ્રમ્પની પહેચાન બહુ મોટી છે. ટ્રમ્પ ભારતના સૌથી સાચા દોસ્ત છે. સ્ટેજ પર એમની સાથે હાજર થવા મળ્યું એને હું મારું અહોભાગ્ય સમજું છું. તમે મને 2017માં તમારા પરિવાર સાથે મળાવ્યા હતા, આજે હું તમને મારા પરિવાર સાથે મળાવું છે, એમ કહીને મોદીએ દર્શકગણ તરફ પોતાના હાથ ફેલાવ્યા હતા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું, હું અહીંયા હાઉડી મોદી કાર્યક્રમમાં આવીને રોમાંચિત છું. હું મોદીનો આભાર માનું છું. તેઓ ભારતીયો માટે સરસ રીતે કામ કરી રહ્યા છે.
ટ્રમ્પે ભારતીય-અમેરિકન નાગરિકોનો આભાર માનતા કહ્યું કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે, અમારા મૂલ્યોની ઉન્નતિ કરાવી છે. અમેરિકન્સ તરીકે અમને તમારા માટે ગર્વ છે.
મોદીએ કહ્યું કે, ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું છે. તેઓ અમેરિકી અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છે. હું પ્રમુખ ટ્રમ્પની એમની નેતાગીરીની સમજને માટે પ્રશંસા કરું છું.
સ્ટેજ પર આવીને મોદીએ દર્શકો તરફ હાથ હલાવીને એમનું અભિવાદન સ્વીકાર્યું હતું અને અમેરિકી નેતાઓ સાથે હાથ મિલાવી એમનો આભાર માન્યો હતો.
હાઉડી મોદી કાર્યક્રમનો આરંભ ભારતીય સમય મુજબ રાતે 8.00 વાગ્યે કરવામાં આવ્યો હતો. શરૂઆત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક અને રંગારંગ પેશકશથી કરવામાં આવ્યો હતો જેમાં 400થી વધુ યુવા કલાકારોએ સ્ટેજ પર પ્રશંસનીય રીતે પરફોર્મ કર્યું હતું.
આ સમ્માન સમારંભનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. એને 1,000થી વધારે સ્વયંસેવકો તથા ટેક્સાસ રાજ્યસ્થિત 650 જેટલી વેલકમ પાર્ટનર સંસ્થાઓ તરફથી સહાયતા કરવામાં આવી છે.
સ્ટેડિયમમાં મોદી અને ભારતના પ્રશંસક એવા હજારો ભારતીય-અમેરિકન લોકોનું આગમન સાંજે પાંચ વાગ્યાથી જ શરૂ થઈ ગયું હતું. સ્ટેડિયમની બહાર ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકો ઢોલ-નગારા વગાડીને આનંદ માણી રહ્યાં હતા. જાણે કોઈ ભારતનું જ શહેર હોય એવું લાગે.
કાર્યક્રમમાં 50 હજારથી પણ વધારે લોકો હાજર રહ્યા હોવાની ધારણા રખાય છે.
સમગ્ર કાર્યક્રમ ૩ કલાકથી વધુ સમયનો રહ્યો હતો. ટ્રમ્પ 100 મિનિટથી વધારે સમય સુધી સ્ટેડિયમમાં રહ્યા હતા.
ખ્રિસ્તી સમાજના વડા ધર્મગુરુ પોપને બાદ કરતાં કોઈ પણ વિદેશી નેતાના માનમાં અમેરિકામાં યોજાનારો આ સૌથી મોટો કાર્યક્રમ હતો.
‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુએસ પ્રમુખ ટ્રમ્પ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતેથી એર ફોર્સ વન વિમાન દ્વારા હ્યુસ્ટન માટે રવાના થયા હતા તે વેળાની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી.
કાર્યક્રમમાં સહભાગી થવા માટે એનઆરજી સ્ટેડિયમની બહાર એકત્ર થયેલા ભારતીય-અમેરિકન દર્શકોના ચહેરા પર ઉત્સાહ છલકાઈ રહ્યો હતો.