પીએમ મોદી હ્યુસ્ટનમાં: એનર્જી કંપનીઓ સાથે 50 લાખ ટન LNGના કરાર

હ્યુસ્ટન (ટેક્સાસ) – અમેરિકાના સાત દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સ્થાનિક સમય મુજબ બપોરે હ્યુસ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભારતીય સમુદાયનાં લોકો દ્વારા એમનું રેડ કાર્પેટ બિછાવીને, ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર અમેરિકાના ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ વિભાગના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન, અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રિંગલા અને ભારત સ્થિત અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર તથા અન્ય અધિકારીઓ, મહાનુભાવો મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરને અમેરિકાના એનર્જી પાટનગર, એનર્જી સિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોદી શનિવારે એનર્જી ક્ષેત્રની ટોચની કંપનીઓના અધિકારીઓને મળ્યા હતા.

મોદી સાથેની રાઉન્ડટેબલ મીટિંગમાં અમેરિકામાં સ્થિત કેટલીક ટોચની ઓઈલ ઉત્પાદન-માર્કેટિંગ કંપનીઓનાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરો હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે 50 લાખ ટન LNG માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ટેલુરિયન અને પેટ્રોનેટ કંપનીઓએ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ મારફત 50 લાખ ટન LNG માટે ભારત સાથે કરાર પર સહીસિક્કા કર્યા હતા.

મોદી કશ્મીર પંડિતો, વ્હોરાઓ, શીખ સમુદાયનાં લોકોને મળ્યા

વડા પ્રધાન મોદી હ્યુસ્ટન શહેરમાં વસતા કશ્મીરી પંડિત સમુદાયનાં લોકોને મળ્યા હતા. ભારતની પ્રગતિ માટે મોદી સરકાર જે પગલાં લઈ રહી છે એ માટે આ સમુદાયનાં લોકોએ એમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

હ્યુસ્ટનમાં વસતા ભારતીય દાઉદી વ્હોરા કોમનાં લોકોએ પણ વડા પ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

એવી જ રીતે, મોદી શીખ સમુદાયનાં લોકોને પણ મળ્યા હતા. ભારતમાં મોદી સરકારે અનેક સિદ્ધિસમાન નિર્ણયો લીધા એ બદલ શીખ સમુદાયે મોદીને અભિનંદન આપ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]