હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીનું સંબોધનઃ જાણો વડાપ્રધાને કહેલી 10 મોટી વાત…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ અમરિકાના હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પોતાની આગવી શૈલીમાં સંબોધનની શરુઆત કરી હતી. વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા એનઆરજી સ્ટેડિયમમાં “હાઉડી મોદી” કાર્યક્રમમાં 50,000 ભારતીય-અમેરિકીઓના જનસમૂહને રવિવારના રોજ સંબોધન કર્યું. તેમણે ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કરતા કહ્યું કે, “હાઉડી માય ફ્રેન્ડ્સ”? આટલું બોલતા જ આખા સ્ટેડિયમમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. “હાઉડી” દક્ષિણ પશ્ચિમી અમેરિકામાં સામાન્ય રીતે અભિવાદન તરીકે બોલાતો શબ્દ છે. આ કાર્યક્રમ ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આનો વિષય Shared dreams, bright future હતો. જાણીએ વડાપ્રધાન મોદીએ હ્યૂસ્ટનમાં કરેલા સંબોધનની 10 મોટી વાતો.

  1. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના લોકપ્રિય નારા “અબકી બાર મોદી સરકાર” ની જેમ “અબકી બાર, ટ્રમ્પ સરકાર” કહીને તેમને ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે મંચ પર તેમની ઉપસ્થિતી બંન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો સંકેત આપે છે.
  2. વડાપ્રધાન મોદીએ અર્થવ્યવસ્થા સહિત દેશને મજબૂત બનાવવાની દિશામાં ભરવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતમાં બધું જ સારું છે, ભારત મેં સબ ચંગા હે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત પહેલાની સરખામણીએ વધારે તેજ ગતિથી આગળ વધવા ઈચ્છે છે. ભારત કેટલાક લોકોની વિચારધારાને પડકાર આપે છે, જેમની વિચારધારા છે કે કંઈ જ બદલાઈ ન શકે. ગત વર્ષોમાં 130 કરોડ ભારતીયોએ દરેક ક્ષેત્રમાં એવા પરિણામો પ્રાપ્ત કર્યા છે, જેની પહેલા કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું.
  3. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતીમાં આતંકવાદ વિરુદ્ધ “નિર્ણાયક લડાઈનું” આહ્વાન કર્યું અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેને અમેરિકામાં 9/11 થી લઈને મુંબઈના 26/11 ના આતંકી હુમલા માટે જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારત જે વિકાસ કાર્ય કરી રહ્યું છે, તેનાથી કેટલાક લોકોને મુશ્કેલી પડી રહી છે.
  4. તેમણે પાકિસ્તાનના શાસકો તરફ સંકેત કરતા કહ્યું કે, જે લોકો પોતે પોતાનો દેશ નથી સંભાળી શકતા, એ લોકોએ ભારત પ્રત્યે પોતાની નફરતને રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધી છે. વડાપ્રધાને કહ્યું કે, આ એ લોકો છે કે જેઓ અશાંતિ ઈચ્છે છે, આતંકના સમર્થક છે, આતંકને ઉછેરે અને મોટો કરે છે. તેમણે કહ્યું કે આ લોકોને તમે પણ સારી રીતે ઓળખો છો. અમેરિકામાં 9/11 નો હુમલો હોય કે મુંબઈમાં 26/11નો હુમલો, આ હુમલાઓના ષડયંત્રને રચનારા લોકો ક્યાં મળી આવે છે?
  5. અમેરિકી રાષ્ટ્રપતિની ઉપસ્થિતીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આતંકવાદ વિરુદ્ધ અને આતંકવાદને વેગ આપનારા લોકો વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. હું એ વાત પર જોર આપીને કહેવા માંગું છું કે આ લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પૂર્ણ મજબૂતી સાથે આતંક વિરુદ્ધ ઉભા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકામાં આ વાત એવા સમયે કરી છે કે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા છે. ઈમરાનની પણ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે.
  6. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કોઈ અન્ય સાથે નહી પરંતુ પોતાની સાથે જ મુકાબલો કરી રહ્યા છીએ. અમે પોતાને બદલી રહ્યા છીએ કારણ કે ભારતમાં વિકાસ, આજે સૌથી ચર્ચિત શબ્દ બની ગયો છે. ધૈર્ય એ અમારા ભારતીયોની ઓળખ છે પરંતુ હવે અમે વિકાસ માટે અધીર છીએ. તેમણે કહ્યું કે, અમે મોટું લક્ષ્ય રાખીએ છીએ અને મોટી ઉપ્લબ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છીએ.
  7. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક પણ ભારતીય વિકાસના લાભથી વંચિત રહે, એ ભારતને મંજૂર નથી. વિકાસનો લાભ સમાજના તમામ વર્ગોને મળવો જોઈએ. મોદીએ કહ્યું છે કે વિકાસનો સૌથી મોટો મંત્ર છે- સૌનો સાથ-સૌનો વિકાસ, ભારતની સૌથી મોટી નીતિ છે- જન ભાગીદારી, ભારતનો સૌથી પ્રચલિત નારો છે- સંકલ્પથી સિદ્ધી, અને ભારતનો સૌથી મોટો સંકલ્પ છે- ન્યૂ ઈન્ડિયા.
  8. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અલગ-અલગ પંથ, સંપ્રદાય, સેંકડો પ્રકારના અલગ અલગ ક્ષેત્રીય ખાન-પાન, અલગ-અલગ વેશભૂષા અને અલગ-અલગ ઋતુ ચક્ર ભારતને અદભૂત બનાવે છે. તેમણે કહ્યું કે, સદીઓથી અમારા દેશમાં સેંકડો ભાષાઓ, બોલીઓ, સહઅસ્તિત્વની ભારત સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારતની અલગ-અલગ ભાષાઓ અને ઉદાર તેમજ લોકતાંત્રિક સમાજ અમારી ઓળ છે. અલગ-અલગ ભાષા, અલગ-અલગ પંથ, પૂજા પદ્ધતિ, વેશભૂષા આ ધરતીને અદભૂત બનાવે છે.
  9. મોદીએ કહ્યું કે ભારતમાં ખૂબ સારું થઈ રહ્યું છે, ઘણું બધુ બદલાઈ રહ્યું છે અને ઘણુ બધુ બદલવાના ઈરાદાને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. અમે નવા પડકારો નક્કી કરવાની, તેમને પૂરા કરવાની જીદ પકડી લીધી છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું.
  10. વડાપ્રધાન મોદીએ “હાઉડી મોદી” મહારેલીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય-અમેરિકી સમુદાય સાથે પરિચય કરાવતા તેમને “વિશેષ વ્યક્તિ” ગણાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પની આ કાર્યક્રમમાં ઉપસ્થિતી એ દર્શાવે છે કે વ્હાઈટ હાઉસમાં ભારતનો એક સાચો મિત્ર છે.