લંડનઃ બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે ચેતવણી ઉચ્ચારી છે કે લંડન શહેરને કદાચ મહિનાઓ સુધી લોકડાઉનમાં રહેવું પડશે, કારણ કે જ્યાં સુધી નોવેલ કોરોનાવાઈરસની રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ મહાબીમારીના અત્યંત ચેપી મ્યુટન્ટ સ્ટ્રેનને અંકુશમાં રાખવો અત્યંત કઠિન બનશે. વાઈરસનો નવો પ્રકાર ચેપ ફેલાવવામાં 70 ટકા વધારે જોખમી છે.
બ્રિટનના આ પાટનગર શહેરમાં તેમજ દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના ભાગોમાં નવા ટાયર-4 નિયંત્રણો લાગુ કરાયા બાદ આરોગ્ય પ્રધાને ઉપર મુજબનું નિવેદન કર્યું છે. લાગુ કરાયેલા નવા કડક નિયંત્રણો વિશે 30 ડિસેમ્બરે સમીક્ષા કરાશે. જોકે એમાં કોઈ છૂટછાટ અપાવાની શક્યતા નથી લાગતી, એવો પણ તેમણે સંકેત આપ્યો છે. વડા પ્રધાન બોરીસ જોન્સને લંડન, દક્ષિણ-પૂર્વીય તથા પૂર્વીય ઈંગ્લેન્ડના વિસ્તારોમાં ગઈ કાલે રવિવારથી અમલમાં આવેલા બે-સપ્તાહના લોકડાઉનની ગઈ 18 ડિસેમ્બરે જાહેરાત કરી હતી. આને કારણે ત્યાં વસતા 1 કરોડ 60 લાખ લોકોને ક્રિસમસ તહેવારની ઉજવણી રદ કરવાની ફરજ પડી છે.