લંડનઃ લિઝ ટ્રસે આજે જાહેરાત કરી છે કે એમણે બ્રિટનનાં વડાં પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ટ્રસ માત્ર 45 દિવસ માટે આ પદ પર રહ્યાં હતાં. આમ, તેઓ બ્રિટનમાં સૌથી ટૂંકી મુદતવાળાં PM બન્યાં છે. ટ્રસની નેતાગીરી સામે એમની કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ ખુલ્લો બળવો થયો હતો. પક્ષના વધુ ને વધુ સંસદસભ્યોએ માગણી કરી હતી કે ટ્રસ રાજીનામું આપે. ટ્રસની કામ કરવાની શૈલીને કારણે બોન્ડ માર્કેટમાં કડાકો બોલી ગયો હતો અને તેમનું તેમજ એમની પાર્ટીનું અપ્રુવલ રેટિંગનું પતન થયું હતું. ટ્રસ અગાઉ સૌથી ટૂંકી મુદતના બ્રિટિશ વડા પ્રધાનનો રેકોર્ડ જ્યોર્જ કેનિંગનો હતો, જેઓ 1827માં 119 દિવસો સુધી પીએમ પદે રહ્યા હતા. જોકે તેમનું 57 વર્ષની વયે આકસ્મિક મૃત્યુ થયું હતું.
ટ્રસે કહ્યું છે કે પાર્ટી નવા વડા પ્રધાનની પસંદગી કરશે ત્યાં સુધી પોતે આ પદે ચાલુ રહેશે. આજે જાહેરાત કરતી વખતે એમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે એમણે પોતે આપેલા વચનોનું પાલન નથી કર્યું અને પાર્ટીએ એમનામાં મૂકેલા વિશ્વાસને ગુમાવી દીધો હતો.