લંડન: આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરાડકરએ માઈકલ માર્ટિન સાથે ઐતિહાસિક સમજૂતી કર્યા પછી એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન બનવા માટે માર્ટિનનો માર્ગ મોકળો કરી આપવા માટે વરાડકરે ત્યાગપત્ર આપ્યું છે. હવે નવી સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન હશે. જોકે, ગઠબંધન સમજૂતી અનુસાર લિયો વરાડકર બે વર્ષ પછી ફરીથી વડા પ્રધાન પદ પર આવી જશે.
આયર્લેન્ડમાં વડાપ્રધાન કાર્યાલય પર મુખ્ય બે મધ્યમાર્ગી પક્ષ – વરાડકરનો ફાઈન ગેલ અને માર્ટિનના ફિયાના ફેલનો કબજો છે. આ સપ્તાહે ગ્રીન પાર્ટી સાથે સત્તા વહેંચણી સમજૂતીને પૂર્ણ કરવા માટે તે મહત્વકાંક્ષી જલવાયુ લક્ષ્યો પર સહમત થયા હતા.
માર્ટિન ડિસેમ્બર 2022 સુધી આયર્લેન્ડનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ત્યારપછી વરાડકર પ્રધાનમંત્રી તરીકે ફરીથી સત્તા સંભાળશે. વરાડકરે રવિવારે ટ્વિટ કર્યું હતું કે, આજે નાયબ વડાપ્રધાન તરીકે મારો પ્રથમ દિવસ છે. હું કનૉટ રેન્જર્સનું સ્મરણ કરી રહ્યો છું, જેમણે 100 વર્ષ પહેલા ભારતમાં આયર્લેન્ડની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો.