ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધ વિશ્વ માટે એક પ્રશ્નનો વિષય બની રહે છે. કેમ કે, આ બંને દેશ વચ્ચે અવાર નવાર છમકલા થતા રહેતા હોય છે. આ તમામ વચ્ચે પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ પોલીસ ઓફિસર બન્યો છે. પાકિસ્તાન પોલીસ ખાતાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ હિન્દુ રાજેન્દ્ર મેઘવારને આ સન્માન મળ્યું છે. રાજેન્દ્ર મેઘવાર 6 ડિસેમ્બરથી ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં ASP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનમાં હિન્દુ માટે પોલીસ ઓફિસર બનવું ખૂબ જ મુશ્કેલ છે.
રાજેન્દ્ર મેઘવારની નિમણૂકને પોલીસ દળમાં તેમના સાથીદારો પણ હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ફૈસલાબાદમાં આટલા મહત્વપૂર્ણ પદ પર કોઈ હિન્દુ અધિકારીની નિમણૂક પ્રથમ વખત થઈ છે. પોલીસ અધિકારીઓ માને છે કે રાજેન્દ્ર મેઘવારની હાજરી માત્ર કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરશે નહીં પરંતુ લઘુમતી સમુદાયોની ચિંતાઓને પણ દૂર કરશે, જેનાથી પોલીસ પર લોકોનો વિશ્વાસ વધશે. રાજેન્દ્ર મેઘવારની નિમણૂક સાથે અન્ય એક વ્યક્તિએ પણ CSS પરીક્ષા પાસ કરી છે. રૂપમતી પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની પણ છે. રૂપમતી રહીમ યાર ખાનની રહેવાસી છે. તેણે CSS પરીક્ષા પાસ કરી છે અને તે વિદેશ મંત્રાલયમાં જોડાવા આતુર છે.
કોણ છે રાજેન્દ્ર મેઘવાર?
રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ઓફિસર છે જેમણે અથાગ પ્રયાસો અને પડકારોનો સામનો કરી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી આ સફળતા હાંસલ કરી હતી. રાજેન્દ્ર પાકિસ્તાનના સિંધના ગ્રામીણ વિસ્તાર બદીનના રહેવાસી છે. લઘુમતી સમુદાયમાંથી હોવા છતાં પોતાના સમર્પણ અને મહેનતથી આ અવરોધોને પાર કર્યા હતાં.