પ્યોંગયાંગ- નોર્થ કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને કહ્યું છે કે, તેઓ દક્ષિણ કોરિયા સાથે સંબંધો મિત્રતાપૂર્ણ બનાવવા ઈચ્છે છે. પ્યોંગયાંગની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા દરમિયાન કિમજોંગે જણાવ્યું કે, તેમને રાષ્ટ્રીય એકતાનો નવો ઈતિહાસ લખવાની આશા છે.નોર્થ કોરિયાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા કાર્યાલયના પ્રમુખના નૈતૃત્વમાં બે દિવસના રાજકીય પ્રવાસે નોર્થ કોરિયા આવેલા પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા દરમિયાન કિમ જોંગે ઉપર મુજબનું નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, વર્ષ 2011માં કિમ જોંગે નોર્થ કોરિયાની સત્તા સંભાળ્યા બાદ દક્ષિણ કોરિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમની આ પ્રથમ મુલાકાત છે.
આ મુલાકાત દરમિયાન કિમ જોંગે કોરિયાઈ ટાપુ પ્રદેશમાં સૈન્ય તણાવ ઘટાડવા, ચર્ચા અને સંપર્ક વધારવા, પરસ્પર સહયોગ અને આદાનપ્રદાન વધારવા અંગે પણ પોતાના વિચાર રજૂ કર્યાં હતાં. જોકે રાજકીય નિષ્ણાંતો કિમ જોંગના આ વિચારનું અર્થઘટન નથી કરી શક્યા. તેમનું માનવું છે કે, ઉત્તર કોરિયાના નિમંત્રણ છતાં દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટની નોર્થ કોરિયાના રાજકીય પ્રવાસ અંગે હજી સુધી કોઈ તારીખ કેમ નક્કી કરવામાં આવી નથી.
આ તરફ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આંતર કોરિયાઈ સમ્મેલનનું આયોજન કરવાને લઈને એક કરાર પર સમજૂતિ કરવામાં આવી છે. નોર્થ કોરિયાના નેતા અને સિઓલના રાજદૂતો વચ્ચે પ્યોંગયાંગમાં યોજાયેલી એક બેઠક દરમિયાન આ સમજૂતિ પર સહમતિ સધાઈ હતી.