નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી જન્મેલા કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ભયાનક સ્વરુપ ધારણ કરી રહ્યો છે. આ વાયરસની ઝપેટમાં અત્યારસુધીમાં 21 હજાર લોકોના મોત થયા છે વિશ્વના 198 દેશોમાં 4,68,905 લોકો આનાથી સંક્રમિત છે. કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સહિત આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આશરે 3 અરબ જેટલા લોકો અત્યારે લોકડાઉનમાં જીવી રહ્યા છે.
કેટલાક દેશોમાં તો માત્ર એ જ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે કે જેમને હોસ્પિટલમાં ભરતી કરવાની જરુર છે. 24 કલાકમાં જે દેશોમાં સૌથી વધારે મૃત્યુ થયા છે તેમાં સ્પેન સૌથી વધારે ઉપર છે. સ્પેનમાં 738, ઈટલીમાં 683 અને ફ્રાંસમાં 231 જેટલા લોકોના મોત થયા છે.
ઈટલીમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ હવે સ્પેન કોરોનાના નિશાના પર છે. અહીંયા મૃત્યુનો આંકડો ચીનથી પણ વધારે આગળ નિકળી ગયો. સ્પેનમાં અત્યારસુધીમાં 3,647 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ચીનમાં 3,287 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ઈટલીમાં અત્યારે પણ દુનિયામાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીંયા અત્યારસુધીમાં 7,503 જેટલા લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈટલીમાં 74,386 લોકો કોરોનાથી સંક્રમિત છે.
મૃત્યુના આંકડાના આધાર પર જોઈએ તો ઈટલી બાદ સ્પેન સૌથી વધારે પ્રભાવિત છે. અહીંયા કોરોના વાયરસના સંક્રમણના અત્યારે 49,515 મામલાઓ સામે આવ્યા છે. સ્પેન બાદ ચીન અને પછી ઈરાન છે. ઈરાનમાં 2,077 લોકો માર્યા ગયા છે અને 27,017 લોકો સંક્રમિત છે. આ મામલામાં ફ્રાંસ 5મા નંબર પર પહોંચી ગયા છે. ફ્રાંસમાં અત્યારસુધીમાં 25,233 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. બ્રિટનમાં ત્યારે કોરોનાના સકંજામાં આવતું દેખાઈ રહ્યું છે. અહીંયા કોરોનના સંક્રમણના 9,529 કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 465 લોકો માર્યા ગયા છે. સ્થિતિ એ છે કે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ પોઝિટિવ જણાયા છે.