ન્યૂયોર્ક – આવતા વર્ષે નિર્ધારિત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર અને ભારતીય-અમેરિકન મહિલા કમલા હેરિસે પણ ઝૂકાવ્યું હતું, પરંતુ આ રેસમાંથી હટી જવાની એમણે જાહેરાત કરી છે.
યુએસ પ્રમુખપદની રેસમાં ઝુકાવનાર કમલા પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બન્યાં હતાં. તેઓ ડેમોક્રેટિક પાર્ટીનાં સભ્ય છે અને કેલિફોર્નિયા રાજ્યનાં સેનેટર છે.
કમલા હેરિસે ટ્વિટર પર એક વિડિયો સંદેશમાં જણાવ્યું છે કે ભંડોળના અભાવને કારણે પ્રચાર માટેનો ખર્ચ ઉપાડવાનું અને 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાં ચાલુ રહેવાનું મારા માટે અશક્ય છે. પ્રમુખપદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય મારી જિંદગીનો સૌથી કઠિન બન્યો છે.
It has been the honor of my life to be your candidate. We will keep up the fight. pic.twitter.com/RpZhx3PENl
— Kamala Harris (@KamalaHarris) December 3, 2019
જોકે ટ્રમ્પને હરાવીને અમેરિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે લડત ચલાવવાનું પોતે ચાલુ જ રાખશે એમ પણ હેરિસે કહ્યું છે.
હેરિસે યુએસ પ્રમુખપદની ચૂંટણી લડવાની આ વર્ષના જાન્યુઆરીમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. એમણે કેલિફોર્નિયા રાજ્યમાં એમના વતન ઓકલેન્ડમાં જંગી જાહેર સભા પણ યોજીને પોતાનાં પ્રચારની ધમાકેદાર રીતે શરૂઆત કરી હતી.
તે છતાં શરૂઆતના એ ઉત્સાહને તેઓ વધારી શક્યાં નહોતાં અને હેલ્થકેર જેવા વિષયો પર દ્રષ્ટિકોણ નક્કી કરવામાં એમની અસમર્થતાની ટીકા થઈ છે.
ગયા જૂન મહિનામાં ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બિડન સામે કમલા હેરિસે પહેલી જ વાર જાહેર ચર્ચામાં ભાગ લીધો હતો પણ ત્યારબાદ એમનો પોલિંગ ચાર્ટ પણ નીચે ઉતરી ગયો છે.
છેલ્લી ચર્ચામાં હેરિસનો સામનો કોંગ્રેસીજન અને પોતાની જ ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા તુલસી ગબ્બાર્ડ સાથે થયો હતો. ગબ્બાર્ડ પણ યુએસ પ્રમુખપદની ચૂંટણી લડવા માગે છે.
‘વી વિલ મિસ યૂ કમલા’: ડોનાલ્ડ ટ્રમ્પે ટોણો માર્યો
કમલા હેરિસે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધાની જાહેરાત કર્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને એમને ટોણો માર્યો છે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું છે, ‘બહુ ખરાબ. વી વિલ મિસ યૂ કમલા..!’
ટ્રમ્પે આ ટ્વીટ એમના ભૂતપૂર્વ પ્રચાર મેનેજર કોરી લેવાડોસ્કીએ કરેલા એક ટ્વીટના પ્રતિસાદરૂપે કર્યું છે.
ટ્રમ્પના ટ્વીટ બાદ કમલા હેરિસે વળતો ટોણો માર્યો છે. એમણે પોતાનાં ટ્વીટમાં લખ્યું છે, ‘ચિંતા ન કરો, મિસ્ટર પ્રેસિડન્ટ. હું તમારી સામેના ખટલા વખતે તમને મળીશ.’
ઉલ્લેખનીય છે કે યુક્રેન સાથેના વ્યવહારના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.