ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ય સીઇઓ

વોશિંગ્ટન:  ગૂગલના ભારતીય મૂળના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈ હવે આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની)ના સીઈઓ તરીકે પણ કાર્યભાર સંભાળશે. આ પ્રમોશનની સાથે સુંદર પિચાઈ હવે વિશ્વના સૌથી શક્તિશાળી કોર્પોરેટ નેતાઓમાં સામેલ થઈ ગયા છે. મહત્વનું છે કે, ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સર્ગે બ્રિને અલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

લેરી પેજ અને સર્ગે બ્રિને કર્મચારીને એક પત્ર લખ્યો હતો જેમાં સુંદર પિચાઈનું નિવેદન પણ સામેલ છે. પોતાના નિવેદનમાં સુંદર પિચાઈએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારથી આલ્ફાબેટના માળખા કે પછી તેના કામ કરવા પર કોઇ અસર પડશે નહીં.

તેમણે લખ્યું કે, હું ગૂગલ પર ધ્યાન કેન્દ્રિત કરતો રહીશ અને સાથે કમ્પ્યૂટિંગના દાયરાને વેગ આપવા અને ગૂગલને દરેક વ્યક્તિને વધુને વધુ મદદરૂપ બનાવવા માટે કામ કરતો રહીશ. સાથે જ હું આલ્ફાબેટ અને ટેક્નોલોજી દ્વારા મોટા પડકારોનો સામનો કરવા માટે તેના લાંબા ગાળાના ઉદ્દેશને લઇને ઉત્સાહિત છું.

તો બીજી તરફ ગૂગલના સીઈઓ બનાવવાથી લઈને અત્યાર સુધી પિચાઈના નેતૃત્વના વખાણ કરતા  પેજ અને બ્રિને જણાવ્યું કે, આલ્ફાબેટ અને ગૂગલને બે સીઈઓ અને અધ્યક્ષની જરૂર નથી. સુંદર ગૂગલ અને આલ્ફાબેટ બંનેના સીઈઓ હશે. તેમની પાસે કાર્યકારી જવાબદારી હશે. સુંદરે આલ્ફાબેટની સ્થાપના સમયે, ગૂગલના સીઈઓ તરીકે અને આલ્ફાબેટના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્ય તરીકે 15 વર્ષ સુધી અમારી સાથે કામ કર્યું છે. આલ્ફાબેટની સ્થાપના બાદથી અત્યાર સુધી અમે કોઇપણ વ્યક્તિ પર આટલો વિશ્વાસ કર્યો નથી. વધુમાં કહ્યું કે, ભારતીય અમેરિકી સીઈઓ દિવસેને દિવસે તેમના ગ્રાહકો, ભાગીદારો અને કર્મચારીઓ માટે ટેકનોલોજી પ્રત્યે ઊંડાણ પૂર્વકનું ઝુનૂન પેદા કરતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં જન્મેલા 47 વર્ષના પિચાઈએ એ સમયે આ જવાબદારી ઉઠાવી છે જ્યારે પેજ અને બ્રિન હાજર નથી અને કંપનીને ટેક જગતમાં પોતાની સ્થિતિ સંબંધિત વિવાદનો સામનો કરવો પડી શકે છે. પિચાઈ કંપનીમાં જગ્યા લઈ રહ્યા છે ત્યારે કંપની સંયુક્ત રાજ્ય અમેરિકા અને અન્ય જગ્યાઓએ ગોપનીયતા અને ડેટા પ્રથામાં અવિશ્વાસની તપાસને  લઈને વિવાદનો સામનો કરી રહી છે.