વોશિગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડનને ઔપચારીક રીતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. શુક્રવારે એક નિવેદનમાં જો બાઈડને કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના પ્રભાવશાળી ઉમેદવારો સાથે નામાંકન માટે સ્પર્ધા કરવી મારા માટે સન્માનની વાત છે. મને એ વાત કહેતા ગર્વ થાય છે કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણી એક થઈને લડવા જઈ રહ્યા છીએ. અમેરિકા કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ટ્રમ્પ માટે પણ મુશ્કેલ સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે.
બાઈડને 1,991 પ્રતિનિધિઓના સમર્થન સાથે તેઓએ નામાંકન કર્યું હતું. તેમને મંગળવારે થયેલી ચૂંટણીમાં સૌથી વધારે પ્રતિનિધિ પેન્સિલવેનિયામાં મળ્યા. તેઓ મેરીલેન્ડ, ઈન્ડિયાના, રહોડે આઈલેન્ડ, ન્યૂ મેક્સિકો, મોટાનો અને દક્ષિણ ડકોટામાં ચૂંટણી જીત્યા છે. પ્રાઇમરી ચૂંટણીના ત્રણ દિવસ પછી બિડનને જીત મળી હતી, કારણ કે મેઈલ બેલેટમાં વધારો થતા પરીણામ આવતા વાર લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે અમેરિકામાં 2020માં ઘણી પ્રાયમરી ચૂંટણી મોડી યોજાઈ હતી. 17 માર્ચ અને 7 એપ્રિલ વચ્ચે કોઈ પ્રાઇમરી ચૂંટણી યોજાય ન હતી.