નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે એક નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં જણાવાયું છે કે જમાલ ખશોગીની હત્યા બાદ તેમની ડેડબોડીનો નિકાલ કરવા તૂર્કી સ્થિત સાઉદી અરેબિયાના રાજદૂતના ઘરમાં એક મોટી ભઠ્ઠીમાં નાંખી દેવામાં આવી હતી.. હકીકતમાં એક અરેબિક ચેનલ દ્વારા બનાવવામાં આવેલી એક ડોક્યુમેન્ટ્રીમાં આનો ખુલાસો થયો છે.
આ ડોક્યૂમેન્ટ્રી ગત રવિવારના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે કે જમાલ ખશોગીના શબને બેગમાં ભરીને સાઉદી અરેબિયાના રાજદૂતના નિવાસ પર લાવવામાં આવ્યો જ્યાં તેને એક મોટી ભઠ્ઠીમાં નાંખી દેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે તૂર્કીના તપાસ અધિકારી જ્યારે સાઉદી અરેબિયાવા રાજદૂતના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે તેમના ઘર પર સ્થિત ભઠ્ઠીમાં આગ સળગી રહી હતી.
આપને જણાવી દઈએ કે જમાલ ખશોગી સાઉદી અરેબિયા મૂળના પત્રકાર હતા જે ઘણીવાર પોતાના લેખોમાં સાઉદીના તાનાશાહ પરિવાર વિરુદ્ધ લખી ચૂક્યા છે. ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ જમાલ ખશોગી તૂર્કી સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસ પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમનો કોઈ અતોપતો મળ્યો નથી. સીઆઈએના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જમાલ ખશોગીની હત્યા પાછળ સાઉદી અરેબિયાના યુવરાજ મહોમ્મદ બિન સલમાનનો હાથ હોઈ શકે છે. જો કે સાઉદી અરેબિયા દ્વારા આ સમાચારોને નકારવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જે ભઠ્ઠીમાં ખશોગીને સળગાવવાની વાત કહેવામાં આવી રહી છે તે ખૂબ ઉંડી છે, જે 1000 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરી શકે છે.
પ્રાપ્ત થતા સમાચારો અને વિગતોમાં તૂર્કીના અધિકારીઓના હવાલાથી લખવામાં આવ્યું છે કે ખશોગીની હત્યા બાદ ભઠ્ઠીમાં મોટી માત્રામાં મીટને શેકવામાં આવ્યું જેથી જમાલ ખશોગીની હત્યાને છુપાવી શકાય. માનવામાં આવી રહ્યું છે કે ખશોગીની બોડીને ભઠ્ઠીમાં સળતા 3 દિવસ જેટલો સમય લાગ્યો. અલ ઝઝીરા અરેબિકની આ ડોક્યુમેન્ટ્રી સુરક્ષા અધિકારીઓ, તપાસ અધિકારીઓ, રાજનેતાઓ, અને ખશોગીના મિત્રો સાથે વાતચીતના આધાર પર બનાવવામાં આવી છે. સાઉદી અરેબિયામાં જમાલ ખશોગીની હત્યાના આરોપમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સાઉદીએ આ આરોપીઓને તૂર્કીને પ્રત્યાર્પણ કરવાનો ઈનકાર કર્યો હતો.