અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોની વિઝા અવધિ ઘટાડી દીધી

વોશિંગ્ટનઃ પુલવામા હુમલા બાદ વૈશ્વિક મંચથી સતત ટીકાઓ સહન કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારી વિઝા અવધિને 5 વર્ષથી ઘટાડીને 3 મહિના કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી દૂતાવાસના પ્રવક્તા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં F-16 નષ્ટ થવાને લઈને પણ પાકિસ્તાન સામે અમેરિકા રોષે ભરાયું હતું. હવે વિઝા અવધિ ઘટાડીને અમેરિકાએ પાકિસ્તાનને બીજો ઝાટકો આપ્યો છે.

પુલવામા હુમલા બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યંત કડક પ્રતિક્રિયા આવી હતી. હવે પાકિસ્તાની નાગરિકોની વિઝા અવધિ ઘટાડીને ટ્રમ્પ પ્રશાસને કઠોર પગલાં ભર્યાના સંકેતો આપ્યાં છે. પુલવામા હુમલા બાદ આતંકવાદને લઈને અલગ પડી ગયા બાદ પાકિસ્તાને આતંકી સંગઠનો પર કાર્યવાહીની જાહેરાત પણ કરી છે.

આપને જણાવી દઈએ કે પહેલા ભારતીય વાયુસેના દ્વારા એફ-16 વિમાન નષ્ટ થયું હોવાની વાતનો ઈનકાર કરવામાં આવ્યો હતો. જો કે ઘટનાના દિવસે જ ભારતીય વાયુસેના દ્વારા નષ્ટ થયેલા એફ-16 ના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમેરિકાએ પાકિસ્તાન પાસેથી રિપોર્ટ માગ્યો છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે કહ્યું છે કે અમેરિકા આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]