વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ આગામી રવિવારે દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં યોજાનારા વિન્ટર ઓલમ્પિક રમતોત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે અને અમેરિકાના પ્રતિનિધિ મંડળનું નૈતૃત્વ કરશે.ઈવાન્કા ટ્રમ્પના દક્ષિણ કોરિયાના પ્રવાસ અંગે માહિતી આપતા વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને તેમની સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ શુક્રવારે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ સાથે સિઓલ સ્થિત તેમના કાર્યાલયમાં રાત્રિભોજન કરશે અને વિન્ટર ઓલમ્પિકના સમાપન સમારોહમાં હાજર રહેશે. જોકે ઈવાન્કાની ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની કોઈ યોજના નથી.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયા સાથે સંબંધો સુધારવાના પ્રયાસોના ભાગરુપે અને બન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા ઉત્તર કોરિયાએ પ્યોંગચાંગમાં આયોજીત વિન્ટર ઓલમ્પિકમાં પોતાના ખોલાડીઓનું પ્રતિનિધિ મંડળ મોકલવા સહમતિ દર્શાવી હતી. ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટને કિમ જોંગનો પત્ર આપ્યો હતો, જેમાં તેમને તેમની સુવિધા અનુસાર ઉત્તર કોરિયા આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે, 23મો વિન્ટર ઓલમ્પિક રમતોત્સવ 9 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગ ખાતે શરુ થયો હતો જે 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વિન્ટર ઓલમ્પિક આત્યાર સુધીના ઈતિહાસનો સૌથી મોટો વિન્ટર ઓલમ્પિક છે. આ રમતોત્સવમાં 92 દેશના કુલ 2925 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.