તહેરાન- ઈરાનમાં ચાલી રહેલું પ્રદર્શન હવે હિંસક બની રહ્યું છે. આ પ્રદર્શન સરકારની આર્થિક નીતિઓ સામે ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં બેરોજગારી અને મોંઘવારી સતત વધી રહી છે. જેના પર કાબુ મેળવવામાં સરકાર નિષ્ફળ પુરવાર થઈ છે, જેનો રોષ જનતામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હવે અમેરિકા પણ તેનો રાજકીય લાભ જોઈ રહ્યું છે. ઈરાનની આંતરિક બાબતોમાં દખલ કરવી એ અમેરિકાની જૂની આદત છે. ઈરાનમાં સત્તા પરિવર્તન માટે પણ અમેરિકા હંમેશા ઉત્સાહિત રહે છે. અમેરિકાએ ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવેલા છે. હવે ઈરાનમાં ચાલી રહેલાં હિંસક પ્રદર્શનને અમેરિકા પોતાના રાજકીય લાભ માટે જોઈ રહ્યું છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોર્ટે જણાવ્યું છે કે, ‘અમેરિકા ઈરાનની જનતાની તર્કસંગત અપેક્ષાઓનું સમર્થન કરે છે અને ઈરાનની સરકારને તેની જનતાના વિચાર અને સુચનાઓનું આદાનપ્રદાન કરવાની અનુમતિ આપવાનો આગ્રહ કરે છે. અને આ પ્રદર્શન દરમિયાન લોકોને જેલમાં મોકલવાની ઘટનાની અમેરિકા નિંદા કરે છે’.
આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને ઈરાનના પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું હતું. અને આંદોલનકારીઓની કરવામાં આવેલી ધરપકડની પણ નિંદા કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે પણ વોઈસ ઓફ અમેરિકાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વખતે અમેરિકા ઈરાનના પ્રદર્શનકારીઓ ઉપર કરવામાં આવેલી કાર્યવાહીનું મુકદર્શક નહીં બની રહે.