અમેરિકાએ ક્રૂડ મુદ્દે લાલ આંખ કાઢતાં ભારતનો પલટવાર

વોશિંગ્ટનઃ ભારત દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો થતાં વોશિંગ્ટને નવી દિલ્હી સામે લાલ આંખ કરી છે, કેમ અમેરિકા રશિયાએ યુક્રેન સામે છેડેલા યુદ્ધની સામે વધુ આકરા પ્રતિબંધો લાગુ કરવાનું છે. જોકે ભારતે રશિયા સાથે કરેલા ઓઇલ સોદાને લઈને અમેરિકાની ટિપ્પણીનો પલટવાર કરતાં કહ્યું હતું કે આ મામલે રાજકારણ નહીં કરો. વળી, રશિયાની સામે અમેરિકી પ્રતિબંધો અન્ય દેશોને રશિયા પાસે ઓઇલ ખરીદતા રોકી ના શકે, એમ પણ તેણે કહ્યું હતું.

અમેરિકાના અધિકારીની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઇ લાવરોવ નવી દિલ્હીના બે દિવસના પ્રવાસે છે. આ સાથે અર્થતંત્રના અમેરિકી ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હાલ ભારતના પ્રવાસે છે. વિશ્વમાં ભારત ત્રીજો સૌથી મોટો ક્રૂડનો આયાતકાર ગ્રાહક દેશ છે. રશિયાએ યુક્રેન સામે 24 ફેબ્રુઆરીથી છેડેલા યુદ્ધ પછી સ્પોટ ટેન્ડરના માધ્યમથી ભારત રશિયા પાસે ક્રૂડની ખરીદી કરી રહ્યું છે. ભારતે રશિયા પાસે કમસે કમ 2021માં ખરીદેલા 1.6 કરોડ બેરલની તુલનાએ 1.3 કરોડ બેરલ ક્રૂડની ખરીદી કરી છે.

વળી, અમેરિકાને ભારત રશિયા પાસે ઓઇલ ખરીદે એનો કોઈ વાંધો નથી, પણ એને પાછલાં વર્ષોની સરખામણીએ અનેક ગણું ક્રૂડ ખરીદે છે, એનો છે, એમ નામ નહીં આપનાર સૂત્રએ જણાવ્યું હતું.

અમેરિકા રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત આણવા ઇચ્છે છે અને નવી દિલ્હીએ તત્કાળ યુદ્ધવિરામ કરવા આહવાન કર્યું હતું, પણ મોસ્કોનાં કાર્યોની ખૂલીને નિંદા કરવાનો ઇનકાર કર્યો હતો તેમ જ સંયુક્ત રાષ્ટ્રના કેટલાય પ્રસ્તાવો પર મતદાન કરવાથી અળગું રહ્યું હતું.