ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે હાનિકારક

સાઓ પાઉલોઃ આરોગ્યને લગતા એક સામયિક BMJ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, અલ્ટ્રા-પ્રોસેસ કરેલા ખાદ્યપદાર્થો માનવ વપરાશ, માનવીઓનાં આરોગ્ય માટે જોખમી છે.

બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં પોષક આહારનાં નિષ્ણાતોએ આ બાબતમાં અભ્યાસ અને તપાસ હાથ ધર્યાં છે અને એમણે જણાવ્યું છે કે અનેક પ્રકારની ઔદ્યોગિક પ્રક્રિયા મારફત સ્વાદ, રંગ અને મિશ્રિત તત્ત્વો જેવા કૃત્રિમ ઉમેરણો વાપરેલા, મુખ્યત્વે કોમોડિટી સામગ્રીઓને એકત્ર કરીને બનાવવામાં આવે છે તેવા ખાદ્યપદાર્થો, જેમ કે,  ગળપણવાળા કે નમકીન નાસ્તા, સોફ્ટ ડ્રિન્ક્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પહેલેથી તૈયાર કરાયેલા પિઝ્ઝા અને પાસ્તા વાનગીઓ, જુદા જુદા પ્રકારની બિસ્કીટ અને મીઠાઈઓ જેવા ખાદ્યપદાર્થોને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો કહી શકાય. પોષણ નિષ્ણાતોએ આવા ખાદ્ય ઉત્પાદનો વિશે ચેતવણી આપી છે. આવા ખાદ્યપદાર્થો ભારત સહિત દુનિયાભરમાં ધૂમ વેચાઈ રહ્યા છે. આવા ખાદ્યપદાર્થો ગ્લોબલ ફૂડ સપ્લાય ચેન કંપનીઓ-સ્ટોર્સ મારફત મોટા પાયે વેચાઈ રહ્યા છે. લોકોમાં તેનો વપરાશ પણ વ્યાપક તથા ખૂબ પ્રમાણમાં રહે છે.