ભારતની 5G ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છેઃ સીતારામન

વોશિંગ્ટનઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને અહીં જોન હોપકિન્સ યુનિવર્સિટી ખાતે ગઈ કાલે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં અમલમાં મૂકવામાં આવેલી 5G ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે. મતલબ કે એની અમે ક્યાંયથી આયાત નથી કરી, આ અમારા દેશનું પોતાનું પ્રોડક્ટ છે.’

સીતારામને એમ પણ કહ્યું કે, ‘ભારત હવે તેની 5G ટેક્નોલોજી જેમને જરૂર હોય એવા બીજા દેશોને પૂરી પણ પાડી શકે એમ છે. અમારે ત્યાં જે ખાનગી કંપનીઓએ 5G ટેક્નોલોજી બનાવી છે એમણે કહ્યું છે કે 2024ની સાલ સુધીમાં દેશના ઘણા ખરા ભાગને આ ટેક્નોલોજીથી આવરી લેવામાં આવશે. 5G ભારતની એક એવી સિદ્ધિ છે જે બદલ અમે ગર્વનો અનુભવ કરી શકીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના આરંભમાં દેશમાં 5G ટેક્નોલોજી સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. એમણે કહ્યું કે, ‘ભારત 2G, 3G અને 4G ટેક્નોલોજીઓ માટે બીજા દેશો પર નિર્ભર હતો, પરંતુ 5G ભારતની સ્વદેશી ટેક્નોલોજી છે અને આ બનાવીને ભારતે ઈતિહાસ સર્જ્યો છે.’