સિંગાપોરઃ ઘરમાં કામ કરનાર બાઈની મારપીટ કરવા બદલ અને બાદમાં એનાં ચહેરા પરના ઉઝરડા પોલીસની નજરે ન ચડે એટલે તેની પર ક્રીમનો લપેડો કરવા જેવા ગુનાઓ બદલ ભારતીય મૂળની 38-વર્ષની એક મહિલાને 10-મહિના અને 10 અઠવાડિયાની જેલની સજા કરવામાં આવી છે.
સ્ટ્રેટ ટાઈમ્સના અહેવાલ મુજબ, અપરાધી મહિલાનું નામ છે દીપકલા ચંદ્રશેખરન. એણે ‘એની ઓગસ્ટીન’ નામની નોકરાણીની ગયા જાન્યુઆરીમાં મારપીટ કરી હતી. કેસમાં ખટલો ચાલ્યો હતો અને ડિસ્ટ્રિક્ટ જજ ઓવ યોંગ ટુક લિઓંગે આજે ચુકાદો આપતાં કહ્યું કે લોકોને એક સ્પષ્ટ સંકેત મળે એ જરૂરી છે કે આ દેશમાં નોકરાણી સાથે દુર્વ્યવહારના કેસોમાં ખૂબ જ કડક હાથે કામ ચલાવવામાં આવશે. એની ઓગસ્ટીનને વળતર પેટે રૂ. 4,000 સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ પણ કોર્ટે દીપકલાને આપ્યો છે.
અહેવાલ અનુસાર, એની ઓગસ્ટીને રસોડાના એક ડ્રોઅરમાં કાંટા-ચમચા જેવી ચીજવસ્તુઓ ભેગી કરી દેતાં માલિકણ દીપકલા એની પર ગુસ્સે ભરાઈ હતી. એણે કાંટા વડે ઓગસ્ટીનનાં કપાળ પર અનેક વાર પ્રહાર કર્યો હતો. એને કારણે ત્યાં ટાંકા લેવા પડ્યા હતા.
તે પછી એક વાર ઓગસ્ટીન ઘરમાં માસ્કિંગ ટેપ ક્યાં રાખી છે એ શોધી ન શકતાં દીપકલાએ એને કપડાંના હેંગરથી માર્યું હતું. તે ઓગસ્ટીનને થપ્પડ તો અનેક વાર મારતી હતી. એક અન્ય ઘરકામ કરનારી બાઈને આ વિશેની ખબર પડતાં એણે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસ માટે દીપકલાને ઘેર પહોંચે એ પહેલાં દીપકલાએ ઓગસ્ટીનનાં ચહેરા પરના ઉઝરડાઓને ફેસ ક્રીમના લપેડા કરીને ઢાંકી દીધા હતા અને પોલીસ સમક્ષ બધું જૂઠું બોલવાનું કહ્યું હતું.
સિંગાપોરમાં નોકરાણી સાથે દુર્વ્યવહાર કરવાના ગુનાસર ચાર વર્ષની જેલની સજા અને 10,000 સિંગાપોર ડોલર સુધીના દંડના જોગવાઈ છે.