વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતીયોની 44 સંસ્થાઓની ગઈ કાલે અહીં એક સભા મળી હતી અને એમાં તેમણે અનેક ભારતીય સંસ્થાઓ, મંદિરો તેમજ ભારતીય દૂતાવાસો પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા, ગુંડાગીરી, તોડફોડની ઘટનાઓને વખોડી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો, બ્રિટનના લંડન અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલી ભારતીય દૂતાવાસ પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા હતા. ઉક્ત સભામાં હાજર ભારતીય સમુદાયનાં લોકોએ કહ્યું હતું કે આ હુમલાઓને કારણે સમુદાયમાં આઘાત અને ભયની લાગણી ફરી વળી છે.
આ ભારતીય-અમેરિકન લોકો ‘ઈન્ડિયન ડાયાસ્પરા અગેન્સ્ટ હેટ’ (દ્વેષ વિરોધી ભારતીય વસાહતી સમુદાય) બેનર હેઠળ એકત્ર થયાં હતાં. અનેક અગ્રગણ્ય ભારતીય-અમેરિકન નાગરિકો તથા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ સભામાં હાજર રહ્યાં હતાં. તેમણે હિંસક હુમલાઓને વખોડી કાઢતા એક પત્ર પર સહી કરી હતી. આ પત્ર દ્વારા એમણે કેન્દ્રીય, રાજ્યોના તેમજ સ્થાનિક પોલીસ સત્તાધિશોને વિનંતી કરી છે કે ભારતીય-અમેરિકન સમુદાયનાં લોકોની સુરક્ષા જળવાય એ માટે તેઓ પગલાં લે અને હુમલાઓ માટે જવાબદાર ઉપદ્રવી લોકો સામે ત્વરિત પગલાં લે.