ન્યૂયોર્કઃ ભારતીય-અમેરિકન કમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર બ્રજેન્દ્ર પાન્ડાને અમેરિકાની નેશનલ સેન્ટર્સ ઓફ એકેડેમીક એક્સિલન્સ ઈન સાઈબરસિક્યુરિટી સંસ્થા તરફથી ઈનામરૂપે 637,223 ડોલર (આશરે રૂ. 5 કરોડ 20 લાખ) આપવામાં આવ્યા છે. પ્રો. પાન્ડાને આ ઈનામ એક સાઈબર હુમલાને પગલે મહત્ત્વની માળખાકીય (ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – CI) સિસ્ટમ્સ માટે રીકવરી પદ્ધતિઓમાં સુધારો લાવવા માટે આપવામાં આવ્યું છે. CI માં પાવર ગ્રિડ, ગેસ અને ઓઈલ પાઈપલાઈન્સ, લશ્કરી મથકો અને હોસ્પિટલોનો સમાવેશ થાય છે.
પ્રો. પાન્ડા આર્કાન્સાસ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર છે. એમણે કહ્યું કે CI સિસ્ટમ્સની પરસ્પર નિર્ભરતા અને આંતરજોડાણને કારણે તેની પર સાઈબર હુમલાઓનું જોખમ વધારે રહે છે. એવા હુમલા ઝડપથી બીજી સિસ્ટમ્સમાં પણ ફેલાય છે.
યુનિવર્સિટી ઓફ આર્કાન્સાસે તેના ટ્વિટર હેન્ડલ પર પ્રો. પાન્ડાના ફોટા સાથે ટ્વીટ કર્યું છે કે એક રેન્સમવેર હુમલાને કારણે કોલોનિયલ પાઈપલાઈન છ દિવસ સુધી બંધ થઈ ગઈ હતી અને એને કારણે કંપનીને 44 લાખ ડોલરનું નુકસાન ગયું છે. ભવિષ્યમાં આવા હુમલાથી બચી શકાય એ માટે એક સક્ષમ રીકવરી યંત્રણા ડેવલપ કરવામાં મદદરૂપ થવા બદલ પ્રો. પાન્ડાને ઈનામ આપવામાં આવ્યું છે.