પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્યનું નિધન

નવી દિલ્હીઃ પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્યનું ગઈ કાલે નિધન થયું છે. પેલેસ્ટાઇનમાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્ય રામલ્લામાં ભારતીય એમ્બેસીમાં મૃત મળી આવ્યા હતા. વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે ભારતીય એમ્બેસેડરના નિધન પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમનું મોત કેવી રીતે થયું એ તત્કાળ જાણી નહોતું શકાયું. તેઓ 2008ની બેચના ભારતીય વિદેશ સર્વિસના અધિકારી હતા. તેમના મૃતદેહને ભારત લાવવાની વ્યવસ્થા કરવા માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને વડા પ્રધાન મોહમ્મદ શતયેહ દ્વારા આરોગ્ય અને ફોરેન્સિક મેડિસિન મંત્રાલય સિવાય બધી સુરક્ષા, પોલીસ અને સરકારી અધિકારીઓને તત્કાળ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે અને તેમને એમ્બેસી જવા અને આ મામલે નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. બધી પાર્ટીઓને આવી મુશ્કેલ અને ઇમર્જન્સી સ્થિતિમાં તેમના માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે સહકાર આપવા અરજ કરવામાં આવી છે.

વિદેશપ્રધાને જણાવ્યું હતું કે રામલ્લામાં ભારતીય એમ્બેસેડર મુકુલ આર્યના નિધન વિશે ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. તેઓ એક હોશિયાર અને કર્તવ્ય પરાયણ અધિકારી હતા. તેમના પરિવાર અને પરિવારજનો માટે મારી ઘેરી સંવેદના, એમ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

મુકુલ આર્યએ કાબુલ, મોસ્કોમાં ભારતીય એમ્બેસીની સાથે-સાથે દિલ્હીમાં વિદેશ મંત્રાલયની ઓફિસમાં કામ કર્યું હતું. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં પણ કામ કર્યું હતું. તેમણે વિદેશમાં સર્વિસમાં જોડાતાં પહેલાં DUમાં અને JNUમાં અર્થશાસ્ત્રનું શિક્ષણ લીધું હતું.