વોશિંગ્ટન- અમેરિકાની ડિફેન્સ ક્ષેત્રની પ્રમુખ કંપની લોકહીડ માર્ટિને મોટી સંખ્યામાં ફાઈટર જેટ ખરીદવાની ભારતીય પહેલનું સ્વાગત કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ ડિફેન્સ ડીલ 15 અબજ ડોલર કરતાં પણ વધુની થઈ શકે છે. આ અંગે અમેરિકન કંપનીએ જણાવ્યું છે કે, આ અંગે તે ભારતને જલદી જવાબ આપશે.ભારતે આ પ્રકારના અત્યાર સુધીના સૌથી મોટા રક્ષા સોદામાટે પ્રક્રિયા શરુ કરી દીધી છે. જેમાં આશરે 110 ફાઈટર જેટ ખરીદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં દુનિયામાં આ પ્રકારની આ સૌથી મોટી ડિફેન્સ ડીલ હશે, જેની કિંમત 15 અબજ ડોલરથી (અંદાજે 97 હજાર 500 કરોડ રુપિયા) પણ વધુ થશે.
આ ડિફેન્સ ડીલ અંતર્ગત આશરે 85 ટકા વિમાનોનું નિર્માણ ભારતમાં કરવાનું રહેશે, જ્યારે અન્ય 15 ટકા જેટ વિમાન અમેરિકામાં પુરી રીતે તૈયાર કરીને ભારત લાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ અંગે પ્રક્રિયાની તાકીદની વિનંતી અથવા ડીલ અંગેનું વિવરણ ભારતીય વાયુસેના દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ સોદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઈન ઈન્ડિયા’ અતર્ગત કરવામાં આવશે.