ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભારત પર આરોપ મૂક્યો છે કે મેં શાંતિ મંત્રણા માટે ઓફર કરી હતી, પણ ભારત સરકારે એનો કોઈ જવાબ આપ્યો નથી.
ઈમરાન ખાને વધુમાં જણાવ્યું છે કે બેઉ દેશ વચ્ચે જો યુદ્ધ થાય તો બંને માટે આત્મઘાતી સાબિત થશે, કારણ કે બંને દેશ અણુબોમ્બથી સજ્જ છે.
તુર્કી સમાચાર સંસ્થા TRT વર્લ્ડને આપેલી મુલાકાતમાં પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાને કહ્યું કે ભારત સાથે શાંતિ મંત્રણા કરવાની મારી ઈચ્છા છે. શીતયુદ્ધ બેઉ દેશના હિતમાં નથી.
‘બંને દેશ અણુબોમ્બ ધરાવે છે તેથી એમણે યુદ્ધ કરવાનું તો વિચારવું પણ ન જોઈએ. અરે, શીતયુદ્ધ પણ હોવું ન જોઈએ, કારણ કે એ કોઈ પણ સમયે વકરી શકે છે. દ્વિપક્ષી મંત્રણા જ એકમાત્ર ઉકેલ છે. બે અણુસક્ષમ દેશો વચ્ચે યુદ્ધ એટલે આત્મઘાતી પગલું કહેવાય,’ એમ ઈમરાને કહ્યું.
ઈમરાને કહ્યું કે મેં શાંતિ મંત્રણા માટે કરેલી ઓફરનો ભારતે હજી સુધી જવાબ આપ્યો નથી. ભારત કહે છે કે ત્રાસવાદ અને મંત્રણા એકસાથે શક્ય બની ન શકે. ભારતને એક ડગલું આગળ વધવાની ઓફર કરાઈ છે અને એની સામે અમે બે ડગલાં ભરીશું. પરંતુ પાકિસ્તાનની ઓફરને ભારતે અનેક વાર નકારી કાઢી છે.
ઈમરાને એમ પણ કહ્યું કે ભારત સરકાર કશ્મીરી લોકોનાં અધિકારોને ક્યારેય દબાવી નહીં શકે.